
શિવાલિક હાઇટ્સમાં સગીર કારચાલકનું બેફામ ડ્રાઇવિંગ ૧૫ વર્ષીય સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે કાર વિરમભાઈ સાથે અથડાવી હતી
મેગા સિટી અમદાવાદમાં સગીર વયના બાળકોને લક્ઝરી કાર આપવાની માતા-પિતાની ઘેલછા વધુ એકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા રહી ગઈ છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ‘શિવાલિક હાઇટ્સ‘ એપાર્ટમેન્ટમાં એક ૧૫ વર્ષીય સગીરે બેફામ ગતિએ કાર હંકારી એક યુવકને જાેરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના ત્યાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગત ૨૮ જાન્યુઆરીના રોજ વિરમ રબારી નામના યુવક શિવાલિક હાઇટ્સની મુલાકાતે આવ્યા હતા.
તે સમયે સોસાયટીના કેમ્પસમાં જ એક ૧૫ વર્ષીય સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે કાર વિરમભાઈ સાથે અથડાવી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે, યુવક હવામાં ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જેના સીસીટીવી સામે આવ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા અને સ્પીડ લિમિટના નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરના હાથમાં વાહન આપનારા વાલીઓ સામે પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આટલી સ્પીડમાં કાર ચલાવવાની છૂટ કોણે આપી? શું પોલીસ અને ટ્રાફિક વિભાગ માત્ર રસ્તાઓ પર જ મેમો ફાડવામાં વ્યસ્ત છે? સોસાયટીના આંતરિક રોડ પર સુરક્ષા માટે કોઈ નિયમો હોવા જાેઈએ કે નહીં? તેવા અનેક પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકી હોત.




