
અફઘાન ક્રિકેટરને આ હરકત પડી ગઈ મોંઘી. ICCએ મોહમ્મદ નબીને તેની એક ભૂલની સજા ફટકારી.આઈસીસીએ મોહમ્મદ નબીને મેચ રેફરીની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે.ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ D મેચ ડબલ સુપર ઓવરમાં ગઈ, જેમાં આફ્રિકન ટીમનો વિજય થયો. આ હારે અફઘાન ટીમને T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાને આરે લાવી દીધી છે.
અફઘાનિસ્તાને હવે તેની બાકીની બંને ગ્રુપ મેચ જીતવી પડશે અને આ ગ્રુપની અન્ય મેચોના પરિણામો પણ તેના પક્ષમાં આવશે તો જ ફાયદો થશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ICC એ પૂર્વ અફઘાન કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી સામે કાર્યવાહી કરી છે.
ICC એ મોહમ્મદ નબીને મેચ રેફરીની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગની ૧૪મી ઓવરની શરૂઆતમાં બની હતી. દક્ષિણ આફ્રિકાના બોલર લુંગી ન્ગીડી દ્વારા પહેરવામાં આવેલા કાંડા પરના પટ્ટાને લઈને નબી અને મેદાન પરના અમ્પાયરો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. અમ્પાયરની સૂચનાઓને અવગણવી અને દલીલને લંબાવવી એ ICC નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
બુધવારે અમદાવાદમાં રમાયેલી ગ્રુપ-ડી મેચ દરમિયાન ICCએ મોહમ્મદ નબીને લેવલ-૧ના ગુના માટે દોષિત ઠેરવ્યો છે. નબીએ ICC આચારસંહિતાની કલમ ૨.૪નું ઉલ્લંઘન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા સાથે સંબંધિત છે. આ ઉલ્લંઘનને કારણે નબીને તેની મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.મોહમ્મદ નબીએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને અમીરાત ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીઝના ડેવિડ ગિલ્બર્ટ દ્વારા ફટકારેલ દંડનો વિરોધ કર્યા વિના સ્વીકાર કરી લીધો છે. ખેલાડીએ સ્વેચ્છાએ ગુનો કબૂલ કર્યો હોવાથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી અને મેચ રેફરીના ર્નિણયને અંતિમ માનવામાં આવ્યો હતો. ICCના નિયમો અનુસાર, લેવલ ૧ના ભંગ માટે દંડ સત્તાવાર ઠપકાથી લઈને મેચ ફીના ૫૦ ટકાના મહત્તમ દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ ઉમેરવા સુધીનો છે. નબીના કિસ્સામાં તેની મેચ ફી કાપવાનો ર્નિણય તેના વર્તનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.




