મતદાતાઓએ AAP ને આપ્યો જાકારો ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો ગાંધીનગર મનપામાં ૪૪ બેઠકોમાંથી ૩૮ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસનો ઉલટફેર, ભાજપ સામે શાનદાર ક્લીન સ્વીપ કર્યું
ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જનતાએ પોતાના મતો દ્વારા નેતૃત્વની પસંદગી કરી લીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવ્યો છે અને આમ આદમી પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે. ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું. કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ૫ બેઠકો પર બાજી મારીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ના મળતા સૌ ચોંકી ગયું છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬ માં જાેવા મળ્યો છે. આ વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર વિજય મેળવીને ભવ્ય ‘ક્લીન સ્વીપ‘ કર્યું છે. વોર્ડ નંબર ૬ માં ભાજપના ખાતામાં એક પણ બેઠક આવી નથી. બીજી બાજુ, ભાજપે વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં એકચક્રી શાસન જાળવી રાખતા તમામ એટલે કે ૪-૪ બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મોટાભાગના વોર્ડમાં દબદબો જાળવી રાખવા છતાં ભાજપને બે વોર્ડમાં નુકસાન સહન કરવું પડ્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપે ૩ બેઠકો મેળવી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૭માં કુલ ૪ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે, જ્યારે ૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.
વોર્ડ નંબર ૨માં ભાજપ અને અન્ય પક્ષોની પૂરી પેનલ જીતવાને બદલે, વોર્ડ-૨ ની સીટ નંબર-૨ પર અપક્ષ ઉમેદવાર (દિપિકાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા) વિજયી બન્યા, જેથી આ વોર્ડમાં પેનલ તૂટી હતી. જ્યારે વોર્ડ નંબર ૭માં પણ મિશ્ર પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર ૭ની ૩ બેઠકો પર બીજેપી વિજયી રહી જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર (નગીનભાઇ જગદીશભાઇ નાડીયા) જીત્યા, જેના કારણે અહીં પણ પેનલ તૂટી હોવાનું સ્પષ્ટ થાય છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ ૨,૫૯,૦૦૦ મતદારો પૈકી દોઢ લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૫૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારોએ જાેરશોરથી પ્રચાર કર્યો હતો.
ઓખા નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૪ બેઠકો મળી છે. વોર્ડ નં. ૭માં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે. ઓખામાં ભાજપ ક્લીન સ્વીપ તરફ હોવાના દાવા વચ્ચે અંતિમ પરિણામો પર નજર છે. થરા નગરપાલિકામાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૧૯ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. આ સાથે થરામાં પણ ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે.




