
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત પ્રદેશના પદાધિકારીઓ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તે પહેલાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધિત કરતા AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને પાંચ ધારાસભ્યો સાથે સતત જનતા વચ્ચે રહી લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે તેમ છતાં રાજ્યપાલને મળવા માટે સમય આપવામાં આવતો નથી. 26-09-2024ના રોજ રાજકોટ કેમ્પ ઓફિસ ખાતે પ્રથમ પત્ર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી રીમાઇન્ડર કરાવવામાં આવ્યું. 25 જુલાઈ 2024ના રોજ ફરીથી યાદ અપાવવામાં આવ્યું, 15 જુલાઈ 2025ના રોજ વિવિધ જાહેર મુદ્દાઓ અંગે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગતો પત્ર આપવામાં આવ્યો અને ત્યારબાદ ચૈતર વસાવા દ્વારા પણ અલગથી પત્ર લખાયો હતો. છતાં મુલાકાત માટે સમય આપવામાં આવ્યો નહોતો. શું આ ભાજપ -કોંગ્રેસની ગોઠવણ છે? આજે રાજ્યપાલ હાલમાં ઉપલબ્ધ ન હોવા છતાં પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ સત્તાવાર રીતે અરજીપત્ર સુપરત કરશે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતાના પ્રશ્નો અંગે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં અને ખાસ કરીને ખેડૂતો, વંચીતો, ગરીબો, શોષિતો, નાના ઉદ્યોગકારો અને પશુપાલકોના હિત માટે લડત ચાલુ રહેશે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમેરિકા સાથે થનારી ટ્રેડ ડીલથી ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને ગંભીર નુકસાન થવાની શક્યતા છે. શું એપસ્ટીન ફાઈલ કે અદાણીના કેસના કારણે દબાઈને આ ટ્રેડ ડીલ કરવામાં આવી છે ? તેમના જણાવ્યા મુજબ અગાઉ અમેરિકન ઉત્પાદનો પર આશરે 30 ટકા જેટલો ટેક્સ લાગતો હતો, જેને શૂન્ય કરવામાં આવી શકે છે, જ્યારે ભારતીય ઉત્પાદનો પર વધારે કરનો ભાર આવી શકે છે. હાલ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી, પાક વીમાની યોગ્ય અમલવારી નથી અને સિંચાઈ તથા વીજળીના ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સબસિડીયુક્ત વિદેશી કૃષિ ઉત્પાદન બજારમાં આવશે તો સ્થાનિક ખેડૂતોને સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે. તેમણે દાવો કર્યો કે અમેરિકામાં ખેડૂતોને મોટી રકમની સબસિડી આપવામાં આવે છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે. પરિણામે તેમનું ઉત્પાદન અહીં સસ્તું પડશે અને સ્થાનિક બજારમાં ભાવ ઘટી શકે છે. પશુપાલન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે દુધના ભાવમાં સ્થિરતા નથી, નકલી દુધનો વેપાર વધી રહ્યો છે અને ઘણા સ્થળોએ સંઘોની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. આવી પરિસ્થિતિમાં વિદેશી ડેરી ઉત્પાદનોને છૂટછાટ આપવામાં આવશે તો સ્થાનિક પશુપાલકોને વધુ નુકસાન થઈ શકે છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાની ગાયોને નોનવેજ ખોરાક આપવામાં આવે છે અને એ દૂધની પ્રોડક્ટ ભારતમાં આવશે, આ ભાજપ સરકાર શું કરી રહી છે ? જે લોકો સાત્વિક છે અને નોનવેજ નથી ખાતા, શું એ લોકોને પણ હવે ભાજપ નોનવેજવાળું દૂધ પીવડાવશે? જો અત્યારે ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે પશુપાલકોને મળતા હોત. ભાજપ જેટલો સમય સત્તામાં રહેશે એટલા આપણા ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગો પતન તરફ જશે. સરકાર જવાબ આપે કે અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ ભારતમાં કેમ આવી રહી છે? AAP સરકાર દ્વારા અને પ્રાઇવેટ વેપારી પણ પંજાબમાં ખેડૂત પાસેથી ટેકાના ભાવથી પાક ખરીદે છે. જનતાને વિનંતી કરતા વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જાતિ જ્ઞાતિના આગેવાનોને કહેવાથી વોટ આપ્યા એટલા માટે ખેડૂતોએ અને પશુપાલકોએ ભોગવવું પડે છે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યોગકારો મુદ્દાની રાજનીતિ કરવાવાળાને મત આપજો.




