
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાન તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા પાંચ દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના નેતા ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ રહી છે. આજે લુણાગરી, લુણાગરા અને કેરાળી ગામોમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
AAP નેતા ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત પાણીના કારણે ભાદર નદી ગંભીર રીતે પ્રદૂષિત બની રહી છે. તેના પરિણામે જેતપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ભારે પાક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ઉપરાંત, પીવાના પાણીમાં કેમિકલ મિશ્રણ થવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે અગાઉથી રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં, જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા દ્વારા મુદ્દાને ઉજાગર કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ જેતપુર પહોંચીને આંદોલનને સમર્થન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ છે કે 1.ભાદર નદીમાં છોડાતા કેમિકલનું તાત્કાલિક બંધ કરવું.૨.જવાબદાર ઉદ્યોગો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી.૩.પાક નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવું.૪.અસરગ્રસ્ત વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવું. ધાર્મિક માથુકિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે પર્યાવરણ અને ખેડૂતોના જીવન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. નદી, જમીન અને લોકોના આરોગ્યના પ્રશ્ને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડત અવિરત ચાલુ રહેશે.




