
ટ્રમ્પ ટેરિફ પર US સુપ્રીમ કોર્ટનો ર્નિણય ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લઈને યોજાનારી બેઠક ટળી! ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા “રેસિપ્રોકલ ટેરિફ”ને અમેરિકી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ ર્નિણયથી આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ અસરને કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પરની વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ સોમવારે વોશિંગ્ટન પહોંચીને કાનૂની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના હતા.
વાણિજ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, બંને દેશોએ નક્કી કર્યું છે કે તાજેતરની ઘટનાઓ અને તેની અસરનું મૂલ્યાંકન કર્યા પછી જ વાટાઘાટકારોનો પ્રવાસ અને બેઠક નક્કી કરવામાં આવશે. બેઠકને પારસ્પરિક રીતે અનુકૂળ તારીખે ફરીથી આયોજિત કરવામાં આવશે. આ પ્રવાસ એવા સમયે મુલતવી રાખવામાં આવ્યો છે, જ્યારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના “રેસિપ્રોકલ ટેરિફ”ને અમાન્ય જાહેર કર્યા પછી તેની આંતરરાષ્ટ્રીય વેપાર પરની સંભવિત અસરની સમીક્ષા ચાલી રહી છે.
શનિવારે કેન્દ્ર સરકારે અમેરિકી સુપ્રીમ કોર્ટના ર્નિણય પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, શુક્રવારે આવેલા ટેરિફ પરના ર્નિણયની ભારતે નોંધ લીધી છે. વાણિજ્ય મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વાત કરી છે. અમેરિકી વહીવટી તંત્ર તરફથી કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા છે.
અમે આ તમામ ઘટનાક્રમોની અસરનો અભ્યાસ કરી રહ્યા છીએ.
આ પહેલાં સોમવારે વાણિજ્ય સચિવે કહ્યું હતું કે, અમારો પ્રયાસ માર્ચ ૨૦૨૬માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ એક પ્રયાસ છે, પરંતુ હું તેના માટે કોઈ સમયમર્યાદા નહીં રાખું. દર્પણ જૈન આગામી અઠવાડિયે અમેરિકા જશે અને ત્યાં કાનૂની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે.




