
વીજ પુરવઠો ખોરવાતાં ૬ લાખથી વધુ ઘર, ઓફિસોમાં અંધારપટ અમેરિકામાં બરફનું તોફાન: ૧૦,૦૦૦ ફ્લાઈટ્સ રદ, ૪ કરોડ લોકોને અસર મેરિલેન્ડથી મેઈની સુધીના વિસ્તારોમાં વસતાં આશરે ચાર કરોડથી વધુ લોકો માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી
અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગોમાં સોમવારે આવેલાં શક્તિશાળી બરફના તોફાન હર્નાન્ડોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કલાકની ૫૬ કિ.મી.ની પ્રચંડ ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાની સાથે થયેલાં હિમપ્રપાતને કારણે ન્યૂયોર્કમાં ૨૨ ઈંચ સહિત અનેક વિસ્તારોમાં એક ફૂટથી વધુ બરફ પડવાને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ટ્રેન સેવાઓ થંભી ગઈ છે. વિન્ટર સ્ટોર્મ હર્નાન્ડો નામની આ કુદરતી આફતના કારણે અંદાજે ૧૦,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત હિમપ્રપાતને કારણે પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે ૬ લાખથી વધુ ઘરો અને વ્યવસાયિક એકમોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને ઠંડીમાં ઠુંઠવાવાનો વારો આવ્યો છે. મેરિલેન્ડથી મેઈની સુધીના વિસ્તારોમાં વસતાં આશરે ચાર કરોડથી વધુ લોકો માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે.
ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ રહેવાસીઓને ઘરની બહાર નહીં નીકળવા આદેશ આપ્યો છે. આ વાવાઝોડાને પગલે સમગ્ર ન્યૂયોર્કમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, પવનની ગતિ કલાકના ૧૧૨ કિલોમીટર સુધી પહોંચી ગઈ છે અને દર કલાકે ૨ થી ૩ ઈંચ બરફ પડી રહ્યો છે. સવારના ૧૦ વાગ્યા સુધીમાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, રોડ આઈલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં ૨ ફૂટથી વધુ બરફ નોંધાયો હતો. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં જ ૨૨ ઈંચથી વધુ હિમવર્ષા થઈ છે. ફ્લાઈટઅવેરના ડેટા મુજબ, સોમવારે ૧૦,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી. ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી, લાગાર્ડિયા, નેવાર્ક લિબર્ટી અને બોસ્ટનના લોગાન એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા છે.વ્હાઈટઆઉટની સ્થિતિ (બરફને કારણે દૃશ્યતા શૂન્ય થવી)ને લીધે મુસાફરી જીવલેણ સાબિત થઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓના મતે, ન્યૂયોર્ક સિટીમાં માર્ચ ૨૦૧૭ પછીની આ સૌથી ગંભીર હિમવર્ષાની સ્થિતિ છે. હવામાન નિષ્ણાતો આ તોફાનને ‘બોમ્બ સાયક્લોન’ તરીકે ઓળખાવી રહ્યા છે, જેનો અર્થ છે કે વાતાવરણના દબાણમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થવો, જે તોફાનને વધુ ઘાતક બનાવે છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ભારે હિમવર્ષા અને શક્તિશાળી વાવાઝોડાને કારણે ઉત્તરપૂર્વીય દરિયા કિનારે હિમવર્ષાની સ્થિતિ વિકટ બને તેવી શક્યતા છે.




