
આંધ્ર પ્રદેશમાં NDA ની સરકાર લાવી બેબી પોલિસી એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે.
ભારતભરમાં દાયકાઓથી હમ દો, હમારે દોનો નારો ગુંજતો રહ્યો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં હવે ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. રાજ્યની ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક બેબી પોલિસી લાવી રહી છે. આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી તેનો અમલ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડ્રાફ્ટ મુજબ મળવાપાત્ર લાભો અનુસાર, ત્રીજા બાળકના જન્મ પર પરિવારને ૨૫,૦૦૦ રૂપિયાની તાત્કાલિક નાણાકીય સહાય મળશે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને ૧,૦૦૦ રૂપિયા સીધા ખાતામાં જમા કરવામાં આવશે. ત્રીજું બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવશે. માતાને ૧૨ મહિનાની પ્રસૂતિ રજા અને પિતાને ૨ મહિનાની પિતૃત્વ રજા આપવાની જાહેરાત કરાઈ છે.
આંધ્ર પ્રદેશમાં વસ્તીના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. વર્ષ ૧૯૯૩માં રાજ્યનો પ્રજનન દર ૩ ટકા હતો, જે હવે ઘટીને માત્ર ૧.૫ ટકા રહી ગયો છે. જાે હાલનો ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ૨૦૪૭ સુધીમાં રાજ્યમાં વૃદ્ધોની વસ્તી ૨૩ ટકા સુધી પહોંચી શકે છે. જાે પરિસ્થિતિ આવી જ ચાલુ રહેશે તો આંધ્ર પ્રદેશને પણ જાપાન, દક્ષિણ કોરિયા અને ઈટાલીની જેમ ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
રાજ્ય સરકારનું માનવું છે કે યુવા કાર્યકારી વસ્તીમાં ઘટાડો એ આર્થિક વિકાસ માટે મોટો ખતરો છે. રાજ્યમાં હાલ દર વર્ષે અંદાજે ૬.૭૦ લાખ બાળકો જન્મે છે, જેને વધારવા માટે આ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આંધ્ર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જે રાષ્ટ્રીય પોલિસીથી વિપરીત વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હોય.




