ટ્રમ્પે ખેડૂતો માટે ખોલ્યો ખજાનો ચૂંટણી પહેલાં $ ૧૫ અબજની રાહત યોજનાનું એલાન ડીઝલ અને ખાતરના વધતા ખર્ચ વચ્ચે અમેરિકન ખેડૂતોને મોટી સહાયનું વચન; $ ૮ અબજની વન-ટાઇમ ચુકવણી અને $ ૧૩.૮ અબજનો સેફ્ટી નેટ પ્રોગ્રામ ચર્ચામાં
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી (મિડટર્મ ઇલેક્શન) નજીક આવતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખેડૂતોને આકર્ષવા માટે મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ખેડૂતોને ડીઝલ અને ખાતરના વધતા ભાવથી રાહત આપવા માટે અબજાે ડોલરની સહાય આપવાની યોજના જાહેર કરી છે. આ જાહેરાતને અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત મતદારોને પોતાની તરફ આકર્ષવાના રાજકીય પ્રયાસ તરીકે પણ જાેવામાં આવી રહી છે.સિઓક્સ ફોલ્સ ખાતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ખેડૂતોને ડીઝલના ઊંચા ભાવ સામે રાહત આપવા માટે આશરે ૮ અબજ ડોલરની વન-ટાઇમ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાના કૃષિ મંત્રાલયે ૨૦૨૫ના પાક વર્ષ માટે ૧૩.૮ અબજ ડોલરનો સેફ્ટી નેટ પ્રોગ્રામ જાહેર કર્યો છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતીના વધતા ખર્ચ અને પાકની આવકમાં થતી ઘટ સામે આર્થિક સુરક્ષા આપવાનો છે.
અમેરિકન ખેડૂતો માટે ડીઝલ ખેતીના ખર્ચનો મહત્ત્વનો હિસ્સો છે. ટ્રેક્ટર, ટ્રક અને અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડે છે. અહેવાલ મુજબ, અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૬.૩૨ ડોલર સુધી પહોંચ્યો હતો. પરિણામે ખેતીના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
આર્થિક દબાણ માત્ર ઇંધણ પૂરતું મર્યાદિત નથી. ખાતરના ભાવમાં વધારો, કૃષિ સાધનો મોંઘાં થવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાએ ખેડૂતોના નફા પર અસર કરી છે. ચીન સાથેના વેપાર તણાવને કારણે અમેરિકન કૃષિ ઉત્પાદનોની નિકાસને પણ પડકારોનો સામનો કરવો પડ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સહાયમાં વિવિધ કૃષિ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં ડીઝલ માટેની વન-ટાઇમ ચુકવણી ઉપરાંત પશુપાલકો અને માછીમારો માટે ઓછામાં ઓછા ૫ અબજ ડોલરની સહાયનો સમાવેશ થાય છે.
ખેડૂતો અને જમીનમાલિકો માટે વધારાના ૧.૮ અબજ ડોલરની ચુકવણીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાતર ઉત્પાદન સાથે જાેડાયેલા પ્રોજેક્ટ્સ માટે ૫૭.૩ કરોડ ડોલર અને માંસ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ૫.૭ કરોડ ડોલરની ફાળવણીની જાેગવાઈ કરવામાં આવી છે. ખાસ પ્રકારના પાક ઉગાડતા ખેડૂતોને નવા પ્રોજેક્ટ્સ માટે વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે.
અમેરિકાના કૃષિ મંત્રાલયનો ૧૩.૮ અબજ ડોલરનો સેફ્ટી નેટ પ્રોગ્રામ મકાઈ, સોયાબીન, ઘઉં અને ચોખા જેવા મહત્ત્વના પાકના ઉત્પાદકોને આવરી લેવાનો છે. પાકની આવકમાં ઘટાડો થાય અથવા ઉત્પાદન ખર્ચ વધે ત્યારે ખેડૂતોને આર્થિક સહારો મળે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
કૃષિ વિભાગે ખેડૂતોને ટેકો આપવા માટે કૃષિ કોમોડિટીઝની આશરે ૪૭.૨૫ કરોડ ડોલરની ખરીદી કરવાની યોજના પણ જાહેર કરી છે. જાેકે, સહાયની ચોક્કસ ચુકવણીની સમયમર્યાદા અને પાત્રતા અંગે વધુ વિગતો મહત્ત્વની રહેશે.
અમેરિકામાં ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના મતદારો પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીના સમર્થક માનવામાં આવે છે. પરંતુ વધતા ખેતી ખર્ચ, વેપાર નીતિ અને વિદેશી ખેતમજૂરોની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓને કારણે આ વર્ગમાં અસંતોષ ઊભો થયો હોવાની ચર્ચા છે.
આ સ્થિતિમાં ટ્રમ્પનું આર્થિક સહાય પેકેજ ખેડૂતોનો વિશ્વાસ ફરી જીતવાનો પ્રયાસ માનવામાં આવે છે. જાેકે, માત્ર જાહેરાતથી ખેડૂતોનો અસંતોષ દૂર થશે કે નહીં તે સહાયની સમયસર ચુકવણી અને વાસ્તવિક લાભ પર ર્નિભર રહેશે.




