
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેર સહિત સમગ્ર દેશનો વિકાસ થાય એની સામે કોઈ ને વાંધો કે વિરોધ હોય શકે નહીં. વિકાસ ના નામે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે જેવા કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવી બનતી ફેકટરીઓ, નવા પ્લાન્ટ વિગેરે શરૂ થઈ રહ્યા છે એના થકી લોકોને રોજી રોટી મળી રહે એ ઘણી સારી વાત છે. પરંતુ એ રોજી-રોટીની શોધમાં સુરત આવી ભરચક વિસ્તારોમાં નર્ક જેવી જિંદગી જીવતા કામદારોના આરોગ્ય, રહેઠાણ વિગેરે માટે પણ વિચારવું જરૂરી છે. માત્ર ને માત્ર ઉત્પાદન ને ધ્યાનમાં રાખી જો કામદારોના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો પછી કામદારોના હિતો ના રક્ષણ માટે લડશે કોણ? અને કામદારોના આરોગ્ય જળવાશે નહીં તો ઇન્ડસ્ટ્રીયલ ફેકટરીઓમાં સખત મહેનત કરશે કોણ?
જે રીતે સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સચિન, સુડા, કનકપુર, કંસાડ, પાલીગામ, તલંગપોર, પલસાણા, કડોદરા,જોળવા,તાતીથૈયા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સહિત હજીરા, કીમ, પીપોદરા જેવી અલગ-અલગ જગ્યાઓ એ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થયેલા છે અને આ ઇન્ડસ્ટ્રીયલોમાં કામ કરવા માટે મોટે ભાગે ગુજરાત બહારના કામદારો આવતા હોય છે. અને આવા મજૂરો સહેલાઈથી કારખાના, ફેકટરીમાં આવી જાય તે માટે કારખાના, ફેક્ટરીઓની આજુબાજુ જ રહેવા માટે નાની-નાની રૂમો બનાવવામાં આવે છે. જ્યાં સ્વચ્છતા ના નામે મીંડું હોય છે. ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા આવા રહેઠાણોની આજુબાજુ હોતી નથી. ગંદકીના કારણે મજૂર વર્ગ પાણીજન્ય રોગોથી પીડાતા હોય છે.
મજૂર વર્ગો માટે ઊભી કરાતી રૂમો જેમાં હવા ઉજાસ તો દૂરની વાત છે. પરંતુ શ્વાસ લેવો પણ ભારે પડે એવી એક એક રૂમોમાં ૮ થી ૧૦ વ્યક્તિઓ ભાડે રહેતી હોય છે. આવી બિલ્ડીંગોમાં અવર-જવર માટે માત્ર બે થી અઢી ફૂટ પહોળાઈની સાંકડી સીડી હોવાને કારણે એક સાથે ૧ કે ૨ વ્યક્તિ જ અવર-જવર કરી શકે એટલી પહોળાઈ હોવાને કારણે કામદારો માટે જાન નું જોખમ બને છે. ન કરે નારાયણ તક્ષશિલા જેવી કોઈ આગની દુર્ઘટના બને તો આ જ સાંકડી સીડી માંથી એક સાથે બહાર નીકળવાના ચક્કરમાં પણ કામદારો મોત ને ભેટવાનો વારો આવે. એક બાજુ આગથી જીવ બચાવવો બીજી બાજુ સાંકડી સીડીમાંથી નિકળવા માટે થતી ધક્કા મુક્કી માં પણ કામદારોને પણ જાન ગુમાવવાનો સમય આવે છે. જે બિલ્ડીંગો ઊભી કરાવવામાં આવે છે એ તદ્દન ગેરકાનૂની, આર્કિટેક કે સિવિલ એંજિનિયર ના કોઈપણ પ્લાન કે નકશાની મંજૂરી વગર ચાર થી પાંચ માળની ઊભી કરવામાં આવે છે. જે બિલ્ડીંગોમાં ફાયર NOC, BUC, રજા ચિઠ્ઠી વિગેરે નો કોઈ કાયદાકીય રીતે અમલ નહીં કરાયાને કારણે બિલ્ડીંગની ગુણવત્તા ઉપર પણ સવાલો ઊભા થાય છે? ઉપરાંત આવી બિલ્ડીંગો તેમજ આવાસોની આજુ બાજુ કચરા ના થતાં ઢગલા જોતાં જાણે એવું લાગે કે ગામનો કોઈ ઉકરડો હોય એવો આભાસ થાય. અને એ કચરાના ઢગલાને કારણે એ વિસ્તારના કામદારોના સ્વાસ્થય ઉપર પણ ગંભીર સવાલો ઊભા થતાં હોય છે અને જેને કારણે કામદારો આ ફેલાયેલી ગંદકીને પ્રતાપે બીમાર પડતાં હોય છે, જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે અને ધણીવાર મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા તાવથી પોતાનો જીવ પણ ગુમાવતાં હોય છે.
આમ શહેર જિલ્લામાં રહેતા કામદારોના સ્વાસ્થય સાથે ચેડાં કરી માત્ર ને માત્ર ભાડું ખાવા ઊભી કરાતી આવી પ્લાન નકશા વગરની ગેરકાયદે બિલ્ડીંગો સુરત મ.ન.પા તથા સુડા ધ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી કામદારોના હિતમાં ડિમોલિશન કરવું જોઈએ તેમજ ઉપરોકત જણાવેલ વિસ્તારોમાં પ્લાન પાસ વગર બાંધકામો થાય નહીં તેની તંત્રએ તકેદારી રાખવી જોઈએ. અને ગેરકાયદેસર ઊભી કરાયેલી બિલ્ડીંગો પણ જમીનદોસ કરવી જોઈએ. ટૂંકમાં જે બાંધકામ ગેરકાયદેસર હોય તેને તોડી પાડવામાં તંત્રએ કોઈની પણ શેહશરમ રાખવી જોઈએ નહીં.આવી અન્ય જગ્યા એ ઊભી કરાતી ગેરકાયદે નવી બિલ્ડીંગો ને પણ તાત્કાલિક ધોરણે અટકાવી કામદારોના હિતોને પ્રાધાન્ય આપવા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ દોલતરામ મેવાડા ધ્વારા કામદારોના સ્વાસ્થય અને એમના જાન-માલનું રક્ષણ કરવાની જાહેર અપીલ કરી છે.




