
બિહારના CM પાસે ફક્ત ૨૦,૫૫૨ રૂપિયા રોકડ રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર તેમની જંગમ સંપત્તિ કુલ ૧૭.૯૧ લાખ રૂપિયા છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની કુલ સંપત્તિ આ યાદીમાં સૌથી ઓછી છે. તેમની પાસે ૧.૬૬ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. ૨૦૨૫માં તેમની કુલ સંપત્તિ ફક્ત ૭.૮૭ લાખ રૂપિયા નોંધાઈ હતી.
નીતિશ કુમારના સોગંદનામા મુજબ, તેમની પાસે ૨૦,૫૫૨ રોકડા રૂપિયા છે. તેમની જંગમ સંપત્તિ કુલ ૧૭.૯૧ લાખ રૂપિયા છે. તેમની પાસે ૨૦ ગ્રામ સોનાની વીંટી અને મોતી જડિત ચાંદીની વીંટી છે, જેની કિંમત આશરે ૨.૩૭ લાખ રૂપિયા છે. તેમની પાસે કાર છે, જે ૨૦૧૫માં ૧૧.૩૨ લાખ રૂપિયામાં ખરીદી હતી. તેમની દિલ્હીના દ્વારકામાં સંસદ સહકારી સંસ્થામાં એક ફ્લેટ ધરાવે છે.
તેમણે ૨૦૦૪માં આશરે ૧,૦૦૦ ચોરસ ફૂટનો આ ફ્લેટ ૧૩.૭૮ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ફ્લેટની વર્તમાન કિંમત આશરે ૧.૪૮ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
જેડીયુ રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર પાસે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર કરતા વધુ સંપત્તિ છે. તેની કુલ સંપત્તિ ૩.૧૨ કરોડ રૂપિયા છે. આમાં ૧.૬૪ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. ૨૦૨૪-૨૫ માટે તેમની કુલ આવક ૩૫.૭૭ લાખ રૂપિયા હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પાસે કુલ જંગમ સંપત્તિ આશરે ૧.૧૬ કરોડ રૂપિયાની છે, અને તેની પત્ની પાસે ૮૪ લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.
સોગંદનામા મુજબ, નીતિન નવીન પાસે કોઈ સ્થાવર મિલકત નથી, જ્યારે તેમની પત્ની પાસે આશરે ૧.૪૭ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે.
નીતિન નબીન પાસે ૫૫,૦૦૦ રોકડા અને વિવિધ બેન્કોમાં આશરે ૬૨ લાખ રૂપિયા જમા છે. તેમની પાસે બે કાર છે. તેમની આશરે ૩૨ લાખ રૂપિયાની લોન બાકી છે.




