પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP ની વહેલી સિક્સર આમ આમી પાર્ટી દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર મુખ્યમંત્રી ભગવંત માન ફરી ધુરી બેઠક પરથી લડશે
પંજાબમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચૂંટણીના ઘણા સમય પહેલાં ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ યાદીમાં મુખ્યમંત્રી ભગવંત માન સહિત અનેક મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યોને ફરી તક આપવામાં આવી છે. પાર્ટીએ મોટાભાગે જૂના અને અનુભવી ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
AAP ની પ્રથમ યાદી મુજબ મુખ્યમંત્રી ભગવંત માન પોતાની પરંપરાગત ધુરી બેઠક પરથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત વિધાનસભા સ્પીકર કુલતાર સિંહ સંધવાંને કોટકપૂરા, કુલદીપ સિંહ ધાલીવાલને અજનાલા, બ્રહ્મ શંકર જિમ્પાને હોશિયારપુર, બલકાર સિંહને કરતારપુર અને અમનશેર સિંહ શેરી કલસીને બટાલા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પાર્ટીએ તાજેતરની પેટાચૂંટણીઓમાં જીત મેળવનારા ઉમેદવારો પર પણ ફરી વિશ્વાસ મૂક્યો છે. લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી મંત્રી સંજીવ અરોરાને ફરી ટિકિટ આપવામાં આવી છે. ગોગીના નિધન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી. અહેવાલ મુજબ, ED ના કેસ અને જેલમાં હોવા છતાં પાર્ટીએ તેમના નામ પર પસંદગી ઉતારી છે.
તરનતારન બેઠક પરથી હરમીત સિંહ સંધુને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ચબ્બેવાલ બેઠક પરથી ડૉ. ઇશાંક કુમારને પણ ફરી તક આપવામાં આવી છે. આ બંને ઉમેદવારોએ અગાઉની પેટાચૂંટણીઓમાં સફળતા મેળવી હતી.
ચૂંટણીના ઘણા મહિના પહેલાં જ ૪૦ ઉમેદવારોનાં નામ જાહેર કરીને આમ આદમી પાર્ટીએ પોતાની ચૂંટણી તૈયારીઓને વેગ આપ્યો છે. વહેલી ઉમેદવારી જાહેર થવાથી ઉમેદવારોને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક અને પ્રચાર માટે પૂરતો સમય મળી શકશે. સાથે જ પાર્ટીને સંગઠનાત્મક તૈયારીઓ મજબૂત કરવાની તક મળશે. પ્રથમ યાદીમાં મોટાભાગના જૂના અને અનુભવી નેતાઓને ફરી તક આપવામાં આવી છે. જાેકે, ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષની અંદર કોઈ અસંતોષ ઊભો થાય છે કે કેમ તે જાેવું રસપ્રદ રહેશે. હવે પંજાબના રાજકીય વર્તુળોમાં AAP ની આગામી ઉમેદવારોની યાદી અને અન્ય પક્ષોની ચૂંટણી તૈયારીઓ પર સૌની નજર રહેશે.




