
જીવદયા પ્રેમીઓએ ન્યાય માટે રેલી યોજી ખેરાલુમાં અબોલ જીવો પર એસિડ ફેકાયું, દાઝેલા પશુઓની હાલત હજુ પણ નાજુક જીવદયા પ્રેમીઓએ આ અમાનવીય કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી છે
ખેરાલુમાં માનવતાને શરમાવતી એક ક્રૂર ઘટના સામે આવી છે. શહેરમાં અજાણ્યા શખ્સોએ એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.માહિતી મુજબ ૭ માર્ચ ૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા અને ક્રૂર શખ્સો દ્વારા એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. એસિડના કારણે બંને અબોલ જીવો ગંભીર રીતે દાઝી ગયા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય પીડા ભોગવી રહ્યા છે. હાલ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં રેલી યોજી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા. આ મામલે ખેરાલુના રહીશ ચિરાગ સુરેશભાઈ ડબગર સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા ખેરાલુ નગરપાલિકા, મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર અપાવવા માટે સરકારી પશુ ચિકિત્સક દ્વારા તાકીદે મેડિકલ સારવાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે સારવાર બાદ પશુઓને વધુ દેખરેખ માટે નજીકની સરકારી ગૌશાળા અથવા પાંજરાપોળમાં ખસેડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
જીવદયા પ્રેમીઓએ આ અમાનવીય કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી છે. તેઓએ પોલીસ તંત્રને પણ આ કેસમાં ઝડપી તપાસ કરી આરોપીઓને ઝડપથી પકડવાની અપીલ કરી છે.




