NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ બેંગકોકથી આવેલા મુસાફરની બેગમાંથી ૫.૩૬૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજાે ઝડપાયો, કસ્ટમ્સે કરી ધરપકડ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કેસ સામે આવ્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહીમાં બેંગકોકથી આવેલા એક મુસાફરની બેગમાંથી ૫.૩૬૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજાે જપ્ત કર્યો છે.
આ મામલે આરોપીની ધરપકડ કરીને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગ દરમિયાન તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેને રોકી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ તેની ટ્રોલી બેગની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બેગમાંથી કાળા રંગની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરાયેલા પાંચ અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા. બેગમાં લિંબુ પણ રાખવામાં આવ્યા હતા, જેથી માદક પદાર્થની ગંધ છુપાવી શકાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કસ્ટમ્સ અધિકારીઓએ ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા પદાર્થની તપાસ કરતાં તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજાે હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ સમગ્ર જથ્થો જપ્ત કરીને આરોપીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે આરોપી સામે એનડીએપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ ગાંજાે વ્યક્તિગત ઉપયોગ માટે લાવવામાં આવ્યો હતો કે પછી તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ કાર્યરત છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તાજેતરના સમયમાં અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં મુસાફરો પાસેથી વિવિધ પ્રકારના માદક પદાર્થો ઝડપાવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે શંકાસ્પદ મુસાફરો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.





