
ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધ્યા ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧% થયો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર ૨.૭૫ ટકા હતો પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જાેવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧ ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે.
સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) ૨.૭૫ ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને ૩.૨૧ ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો કરતા ગામડાઓમાં વધુ અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી દર ૩.૩૭ ટકા અને શહેરી મોંઘવારી દર ૩.૦૨ ટકા રહ્યો છે. જાેકે રાહતની વાત એ છે કે, આ આંકડો હજુ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે.
દેશમાં મોંઘવારી વધવાનું સૌથી મુખ્ય કારણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર જાન્યુઆરીના ૨.૧૩ ટકાથી તેજીથી ઉછળીને ૩.૪૭ ટકા થઈ ગયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે મોંઘવારી ૨.૦૫ ટકાથી વધીને ૨.૧૨ ટકા થઈ છે, જ્યારે ઈંધણ અને લાઈટ કેટેગરીમાં મોંઘવારી દર ૦.૧૪ ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલીક વસ્તુઓમાં ઘટાડો પણ જાેવા મળ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓનો દર ૨.૧૯ ટકાથી ઘટીને ૧.૯૦ ટકા અને કપડાં-બૂટની મોંઘવારી ૨.૯૮ ટકાથી ઘટીને ૨.૮૧ ટકા રહી છે.
ઈરાન સંકટને કારણે હોર્મુઝ જળમાર્ગ પર વેપારી જહાજાેની અવરજવર ખોરવાઈ છે, જ્યાંથી વિશ્વનો આશરે ૨૦ ટકા તેલ વેપાર થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જાે લાંબા સમય સુધી આ પુરવઠો ખોરવાયેલો રહેશે તો ભારત જેવા ઉર્જા પર ર્નિભર દેશોમાં આયાતી મોંઘવારી વધવાનું જાેખમ ઉભું થઈ શકે છે.




