
માર્ચમાં જ શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી.ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. આ સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે કયા દિવસે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે. ૧૮ માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, ૧૯ માર્ચે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરત અને ૨૦ માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે.
વૈશ્વિક હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર, અલ નીનોને કારણે આ વર્ષે ભારતમાં રેકોર્ડબ્રેક ભીષણ ગરમી પડી શકે છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન અલ નીનો ઉભરવાની ૬૦ ટકા શક્યતા છે અને વર્ષના અંત સુધીમાં તે અત્યંત મજબૂત સ્થિતિમાં હશે. આ સ્થિતિને કારણે નબળા ચોમાસાની સાથે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું જાેખમ પણ તોળાઈ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અને આંતરરાષ્ટ્રીય જળવાયુ કેન્દ્રો પ્રશાંત મહાસાગર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જાે અલ નીનો મજબૂત થશે, તો તે ભારત સહિત સમગ્ર વિશ્વના વેધર પેટર્નને પ્રભાવિત કરશે. ખાસ કરીને ચોમાસાનો બીજાે તબક્કો (ઓગસ્ટ અને સપ્ટેમ્બર) વધુ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરની સપાટી ગરમ થાય છે, ત્યારે અલ નીનો સક્રિય થાય છે. તેના કારણે ભારતીય ઉપખંડ તરફ આવતા ભેજવાળા પવનો નબળા પડી જાય છે.
ભારતનું ઉનાળુ ચોમાસું જમીન અને મહાસાગરના તાપમાનના તફાવત પર આધારિત હોય છે. જાે આગાહી મુજબ મજબૂત અલ નીનો વિકસિત થશે, તો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતા પવનો નબળા પડશે. ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ લૂ ચાલવાની શક્યતા વધશે. વૈશ્વિક તાપમાન નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. અગાઉ ૧૯૯૭-૯૮ અને ૨૦૧૫-૧૬માં પણ અલ નીનોએ વિશ્વભરમાં હવામાનમાં ભારે ઉથલપાથલ મચાવી હતી અને તાપમાનમાં મોટો વધારો કર્યો હતો.
હવામાં ભેજ ઓછો થવાને કારણે ચોમાસું ખોરવાઈ શકે છે. પ્રશાંત મહાસાગર વિશ્વની આબોહવાને અસર કરતો હોવાથી, ત્યાં થતા ફેરફારોને કારણે ભારત જેવા દેશોમાં ભીષણ ગરમી અને લૂની સ્થિતિ સર્જાય છે. વૈજ્ઞાનિકો અત્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડનારી આ નકારાત્મક અસરને લઈને ચિંતિત છે.
હવામાનશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે અલ નીનોથી વરસાદ ઓછો થઈ શકે છે, જાેકે તે દર વખતે દુષ્કાળ લાવશે જ તેની ખાતરી આપી શકાય નહીં. અગાઉ પણ કેટલીકવાર અલ નીનોની હાજરીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. પરંતુ જાે શરૂઆતમાં જ અલ નીનો શક્તિશાળી બનશે, તો વરસાદમાં મોટો ઘટાડો થઈ શકે છે. ભારતનો ૭૦ ટકા વરસાદ ચોમાસા પર ર્નિભર હોવાથી, ઓછો વરસાદ ખેતી અને પાણીની અછત ઉભી કરી શકે છે.




