
બુમરાહ પણ રહી ગયો પાછળ.શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCI નો સૌથી મોટો એવોર્ડ.શાનદાર પ્રદર્શન બદલ શુભમન ગિલને પોલી ઉમરીગર અને સ્મૃતિ મંધાનાને બેસ્ટ વુમન્સ ક્રિકેટરનો ખિતાબ.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ ૨૦૨૫ ની સીઝન માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવા BCCI નમન એવોર્ડ્સ ૨૦૨૬ ની જાહેરાત કરી દીધી છે. શનિવારે જાહેર થયેલી આ યાદીમાં ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ (મેન્સ ક્રિકેટર ઓફ ધ યર) આપવાનો ર્નિણય લેવાયો છે. મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મેદાન માર્યું છે. જાેકે, ક્રિકેટ ચાહકો માટે થોડી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજાેને કોઈ એવોર્ડ મળ્યો નથી. આ ભવ્ય એવોર્ડ સમારોહ રવિવાર, ૧૫ માર્ચના રોજ યોજાવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ ગિલ અને મંધાનાએ કઈ સિદ્ધિઓના આધારે આ એવોર્ડ પોતાના નામે કર્યા.
BCCI નમન એવોર્ડ્સની શરૂઆત ૨૦૦૬-૦૭ માં થઈ હતી. આ એવોર્ડ્સમાં ગયા વર્ષ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે છે. પુરુષોની કેટેગરીમાં અપાતા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડને પોલી ઉમરીગર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે.
શુભમન ગિલ માટે આ બીજી તક હશે જ્યારે તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતશે. તેને આ એવોર્ડ તેના જબરદસ્ત ફોર્મને કારણે મળ્યો છે:
વર્ષ ૨૦૨૫ માં ગિલે ૯ ટેસ્ટ મેચ રમીને કુલ ૯૮૩ રન ફટકાર્યા હતા. તે ગયા વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.
ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની ૫ મેચની સિરીઝમાં તેણે એકલા હાથે ૭૫૪ રન બનાવીને તરખાટ મચાવ્યો હતો.
વનડે (BCCI) માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે ૧૧ મેચમાં ૪૯૦ રન બનાવ્યા હતા.
મહિલા ક્રિકેટની વાત કરીએ તો, ભારતીય ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સતત બીજા વર્ષે બેસ્ટ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર નો એવોર્ડ મેળવવા જઈ રહી છે. આ તેનો ઓવરઓલ ૫મો એવોર્ડ હશે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું કેટલું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું છે.
એક તરફ ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ મળી રહ્યો છે, તો બીજી તરફ તેનો એક ખરાબ સમય પણ રહ્યો હતો. ૨૦૨૫ ની શરૂઆતથી જ T20 ફોર્મેટમાં ગિલ સતત મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ખરાબ ફોર્મના કારણે તેને ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર બેસવાનો વારો આવ્યો હતો અને તેણે આ મોટો ટૂર્નામેન્ટ ગુમાવવાની કિંમત ચૂકવવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિલ વિના રમેલી ભારતીય ટીમે ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ૯૬ રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.




