
TDO સામે લગાવ્યા ગંભીર આક્ષેપો.મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખનું સનસનાટી ભર્યું રાજીનામુ.તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજકારણમાં આજે મોટો ઉથલપાથલ જાેવા મળ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડીયાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષ બાદ પ્રમુખે રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જાેકે, તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
જયકિશન માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી (TDO) પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે,TDO દ્વારા તેમની સાથે સતત ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હતું અને તેમને વારંવાર અપમાનિત કરવામાં આવતા હતા. પ્રમુખના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવગણના કરવામાં આવતી હોવાથી પદ પર રહીને લોકહિતના કામો કરવા મુશ્કેલ બન્યા હતા, જેના વિરોધમાં તેમણે આ આકરૂં પગલું ભર્યું છે.
ખાસ કરીને વિકાસના કામોને લઈને વહીવટી તંત્ર અને પ્રમુખ વચ્ચે વિવાદ વકર્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાલુકાના વિકાસના કામોની ચર્ચા માટે નક્કી કરવામાં આવેલી ત્રણ મહત્વની બેઠકો રદ કરી દેવામાં આવી હતી,
જેના કારણે જનતાના કામો અટકી પડ્યા હતા. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી તરફ વહીવટી અધિકારી અને પંચાયત પ્રમુખ વચ્ચેના આ વિવાદથી મેંદરડા તાલુકાના વિકાસલક્ષી કાર્યો પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.




