
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ડી-સાગ” એટલે કે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતને કેટલી રકમ ફાળવવામાં આવી. તો સરકારના મંત્રી તરફથી જવા મળ્યો કે વર્ષ 2024-25માં 19573.06 લાખ, 2025-26માં 17009 લાખ રૂપિયા એજન્સીને ફાળવવામાં આવે છે. 18297.06 લાખ વર્ષ 2024-25માં વપરાયા અને 1276 લાખ વણવપરાયેલ પડ્યા છે, વર્ષ 2025-26 માં 7703.43 લાખ વપરાયા અને 9305.57 લાખ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. સરકાર એક તરફ સુદ્રઢ વહીવટની વાત કરે છે પણ આદિજાતિ માટે વપરાયેલા બજેટ વપરાતા નથી. વર્ષ 2024-25 માં પણ 4373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી એમાં પણ 3,373 કરોડ વપરાયા અને એમાં પણ આ એજન્સીને કરોડો રૂપિયા આદિજાતિ વિકાસ વિભાગે આપ્યા છે. વર્ષ 2025-26માં પણ 5120 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી એમાં પણ 2410 કરોડ વપરાયા અને એમાં પણ સરકારે એજન્સીને કરોડો રૂપિયા આપ્યા.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, મારે સરકારને સવાલ કરવો છે કે 24 જિલ્લાઓમાં ટ્રાઇબલ સબપ્લાનની કચેરીઓ ચાલે છે, પ્રાયોજના વહીવટદાર અધિકારી ત્યાં બેસે છે અને આખો સ્ટાફ તમારી પાસે છે તો આ એજન્સીને ફંડ ફાળવવાની શું જરૂરત છે? ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી બારોબાર પોતાના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને એજન્સીઓને કામ આપી, કયા કામમાંથી કોને કેટલી ટકાવારી મળશે એનું બારોબાર આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે છે. આદિવાસી લોકોને શું જોઈએ છે, શિક્ષણમાં શું સુવિધા જોઈએ છે, કુપોષણ દૂર કરવા શું સુવિધા જોઈએ છે, આંગણવાડીમાં શું સુવિધા જોઈએ છીએ, એ વિશે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પૂછવામાં આવતું નથી. ડાયરેક્ટ ગાંધીનગરથી એજન્સીઓને બારોબાર કોઈપણ જાતના ટેન્ડર અને નિવેદા વગર અને કોઈપણ જાતની શરતો વગર આદિજાતિ વિકાસ વિભાગનું કરોડોનું બજેટ ફાળવી દેવામાં આવે છે. એક બાજુ સરકાર નવા નવા પોર્ટલો અને ટેન્ડરોની વાત કરે છે પરંતુ આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં તો કોઈ ટેન્ડર થતા નથી. તો કઈ રીતે આદિવાસી લોકોનો વિકાસ થશે. મારી માંગ છે કે તાત્કાલિક ધોરણે “ડી-સાગ” એજન્સીને બંધ કરવામાં આવે. આદિવાસી લોકોનું બજેટ વાપરવું હોય તો ડાયરેક્ટ ગ્રામસભામાં ઠરાવ માંગો અને ગ્રામ સભામાં જે માંગણીઓ કરવામાં આવશે એને મંજૂર કરવામાં આવે અને તેને તાલુકા કક્ષા-જિલ્લા કક્ષાએ અમલ કરીને કામ પૂર્ણ કરવામાં આવે તો જ આદિવાસીઓનો વિકાસ થશે. ટેન્ડર અને નિવેદા વગર જે પણ કામો થયા હોય તેની તપાસ કરવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને આ મુદ્દે એસઆઇટીની રચના કરવામાં આવે એવી પણ અમે માંગ કરીએ છીએ.




