આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પંકજ રાણસરીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મોરબીના જેતપર ખાતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક વતની કાળુભાઈ અમૃતીયા કોઈપણ રાજકીય સ્વાર્થ વગર ખેડૂતોને સહયોગ આપી રહ્યા હતા. તેઓ 17-18 દિવસ સુધી ખેડૂતોના હક માટે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા. હાલ ભાજપમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ આ કાળુભાઈ અમૃતીયાના અવાજને દબાવાની કોશિશ કરી રહ્યા છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભાજપના લેભાગુ તત્વો દ્વારા તંત્રને હાથો બનાવીને ખેડૂતોના અવાજની દબાવવાની કોશિશ થઈ રહી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, કાળુભાઈ અમૃતિયાને દબાવવા માટે તેમના સ્ટોન ક્રસર પર ખાણ ખનીજના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓને મોકલીને સાબિત કરવામાં આવી રહ્યું છે કે જે પણ વ્યક્તિ ખેડૂતોને સાથ સહકાર આપશે અને જે લોકો ખેડૂતોનો અવાજ બનશે એમને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવશે. અમે સ્પષ્ટપણે કહેવા માંગે છે કે આવા કોઈ પણ પ્રયાસો સફળ થવાના નથી કારણ કે આ ફક્ત જેતપર ગામના ખેડૂતોનો અવાજ નથી અને કાળુભાઈ અમૃતિયા ફક્ત એક જ અવાજ નથી પરંતુ આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે. માટે સરકાર ખેડૂતોના અવાજને દબાવી શકશે નહીં. આવનારા સમયમાં કોઈ પણ ખેડૂત આગેવાનોને આ રીતે દબાવવાના પ્રયાસો થશે તો અમે ખભેથી ખભો મિલાવીને એ તમામ ખેડૂત આગેવાનોને સાથ સહકાર આપીશું.





