આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, એક દાયકા પહેલા વર્ષ ૨૦૧૫ માં ગુજરાતભરના પાટીદાર સમાજના યુવાનો પોતાની પીડા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે ‘પાટીદાર અનામત આંદોલન’ના નામે એકઠા થયા હતા અને આંદોલન કર્યું હતું. સમાજના લાખો-કરોડો યુવાનોની એવી માંગણી હતી કે પાટીદાર સમાજના આર્થિક રીતે પછાત અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકો-યુવતીઓને શિક્ષણ તેમજ રોજગારની તકો મળવી જોઈએ. આ માટે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે સરકારે વિચારવું જોઈએ. આવી માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. હજારો યુવાનો સ્વયંભૂ આ આંદોલનમાં જોડાયા અને શાંતિપૂર્ણ રીતે મહિનાઓ સુધી રેલીઓ, સભાઓ અને સરઘસો નીકળ્યા. કોઈ પણ જાતની હિંસા નહીં, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં, માત્ર પોતાની વ્યાજબી વાત શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પહોંચાડવામાં આવતી હતી. ત્યારબાદ જી.એમ.ડી.સી. (GMDC) ગ્રાઉન્ડ ઉપર એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું અને આ સભાની અંદર શાંતિપૂર્ણ રીતે પાટીદાર સમાજના કરોડો લોકો જોડાયા. આ શાંતિપૂર્ણ સભા પૂર્ણ થયા બાદ લોકો જ્યારે પાછા જઈ રહ્યા હતા, ત્યારે પાટીદાર સમાજના અગ્રણી યુવાનો પર જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. લાઠીચાર્જ પછી ગોળીબાર કરવામાં આવ્યો અને પાટીદાર સમાજના ૧૪ જેટલા નિર્દોષ યુવાનોને ગોળીઓ મારી દેવામાં આવી. ગુજરાતના ઇતિહાસની આ સૌથી કલંકિત ઘટના છે. સરકારે આવી રીતે ગોળીઓ કેવી રીતે મારી? આ કોઈ અંગ્રેજો નથી, આ કોઈ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ નથી. આ આપણા દેશના, આપણા રાજ્યના અને આપણા જ પોતાના યુવાનો છે. જે યુવાનો ક્યારેક ભાજપ માટે ચૂંટણીઓમાં કામ કરતા હતા, ભાજપનો પ્રચાર કરતા હતા અને પોલિંગ બૂથ પર બેસતા હતા, એવા જ લોકો ઉપર ભાજપની સરકારે ગોળીઓ ચલાવી, જાણે બે દેશો વચ્ચે યુદ્ધ થયું હોય! એ વખતે, એ સમયના નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલમાં ભાજપમાં જોડાયેલા તમામ આંદોલનકારીઓ એક સૂરે કહેતા હતા કે ‘જનરલ ડાયર’ના આદેશ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હતા.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે. ગમે તેવી ઘટના બને, પણ સમાજના દીકરા-દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, એવું માનતા હતા. પરંતુ આજે દસ વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે. પહેલા તો હું એમનો આભાર માનીશ કે મોડું તો મોડું, પણ તેમણે સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું. સત્ય ભલે દસ વર્ષ મોડું આવ્યું, પણ લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ ‘દિલ્હીના જનરલ ડાયરે’ આપ્યો હતો. હાર્દિક પટેલ અને તમામ આંદોલનકારીઓ ખૂબ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી. પણ આ જનરલ ડાયર કોણ છે? દસ વર્ષ થવા આવ્યા છતાં પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે એ જનરલ ડાયર કોણ હતો? કયા જનરલ ડાયરે પટેલના દીકરાઓ પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો? હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો. એ વખતે જો મુખ્યમંત્રીને ખબર ન હોય, નાયબ મુખ્યમંત્રીને ખબર ન હોય, ગૃહમંત્રીને કદાચ ખબર ન હોય, તો શું મુખ્યમંત્રીની જાણ બહાર કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.પી. કે આઈ.જી.ની હિંમત છે કે ગોળીઓ ચલાવી શકે? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતોના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા કોઈ એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ જનરલ ડાયરને સજા કોણ આપશે? આ જનરલ ડાયરને કોણ પકડશે? આ સવાલ આજે પટેલોના મનમાં છે અને એક પીડા છે. મારા જેવા અનેક યુવાનો જે આજે ભાજપ સામે લડે છે, તેમના મનમાં એક ઊંડા આઘાતની લાગણી છે. અમને હજી દુઃખ થાય છે કે ક્યારે ન્યાય મળશે અને ક્યારે અમે એ જનરલ ડાયરને સજા કરાવીશું? આજે અનેક યુવાનો મનની અંદર એક આક્રોશ લઈને ફરે છે. જો સમાજની માંગણી વ્યાજબી હતી, સમાજનો મુદ્દો વ્યાજબી હતો, તો સરકારે વાત માનવી જોઈતી હતી. પણ પાટીદાર અનામત આંદોલનને હાથો બનાવી, તેનો ઉપયોગ કરી, તેની અંદર ષડયંત્રો કરીને કોઈ જનરલ ડાયરે એ વખતે સરકાર ઉથલાવવાનું કામ કર્યું હતું, એવું મારું માનવું છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ નીતિનભાઈએ ગઈકાલે જાહેરમાં કબૂલ્યું કે જ્યારે તેમણે એસ.પી.ને ફોન કર્યો ત્યારે એસ.પી. એમની વાત માનતા નહોતા. એસ.પી.ની આટલી હિંમત કે સરકારના નાયબ મુખ્યમંત્રીને પણ ગણકારે નહીં? એનો અર્થ એમ થયો કે આ સરકાર એ વખતે પણ અને ત્યારથી લઈને આજ સુધી ખાલી નામના મહોરા જ છે. જો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ખબર ન હોય અને ગોળીઓ છૂટતી હોય, જાણે યુદ્ધ થઈ ગયું હોય, તો આવા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી શું કામના? હું માનું છું કે ૨૦૧૫માં જ નહીં, આજે પણ ગુજરાતની પરિસ્થિતિ એ છે કે સરકારમાં બેઠેલા માણસો તો ખાલી નામના છે, અસલી સરકાર તો જનરલ ડાયર ચલાવે છે. આ જનરલ ડાયર આજે પણ ગુજરાતની સરકારમાં સક્રિય છે. ગુજરાતના ટ્રાન્સફર, પોસ્ટિંગ, મોટા-મોટા નિર્ણયો, પ્રોજેક્ટ્સની વાતો – આ બધી બાબતોની અંદર જનરલ ડાયર હસ્તક્ષેપ કરે છે. એટલે આ જનરલ ડાયરને ગુજરાતની તમામ જનતા ઓળખે, પાટીદાર સમાજ ઓળખે અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા સૌ યુવાનો ઓળખે એવી હું વિનંતી કરું છું. આજે પણ અમારા બધાના મનમાં, જે યુવાનો પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા, તેમના મનમાંથી આજે પણ એ વાતનું દુઃખ ઓછું નથી થયું. હું તો ત્યાં સુધી માનું છું કે ભાજપમાં જોડાયેલા લોકોના મનમાં પણ જનરલ ડાયરને એક વખત સજા કરાવવાનો ખ્યાલ હોઈ શકે છે. કારણ કે તેઓ પણ સમાજના માણસો છે, સમાજ માટે લડ્યા છે અને કામ કર્યું છે. કોઈ મજબૂરીમાં કે કોઈ સંજોગોમાં તેમણે જનરલ ડાયરના શરણે જવું પડ્યું હશે. પણ આ ખૂની, હિંસક અને ગોળીઓ ચલાવનારા જનરલ ડાયરને સજા અપાવવા માટે અમે બધા હજુ બેઠા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર અમને શક્તિ આપશે, અમારો સમાજ અમને સાથ આપશે અને જેણે ગોળીઓ મારી છે એ જનરલ ડાયરને જીવતેજીવ એક વખત અમે સજા અપાવીને જ રહીશું. જનરલ ડાયરને આખું ગુજરાત ઓળખે છે. હાર્દિક પટેલે પોતે જ પોતાના શબ્દોમાં કીધેલું છે કે જનરલ ડાયર કોણ છે. હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં નહોતા, ત્યારે તેમણે સ્પષ્ટ નામ દઈને કીધું હતું. તેઓ ઓળખે છે, આજે ભલે જનરલ ડાયર સાથે તેમની વાત અલગ હોય, પણ જેણે ગોળીઓ મરાવી છે તેને આખું ગુજરાત ઓળખે છે. આ આંદોલનમાં હાર્દિક ક્યાં અલગ હતા? વાત તો ત્યારની છે. જનરલ ડાયર આજે પણ અહીં ગુજરાતમાં જ છે. જે દિવસે અમારી સરકાર બનશે, ત્યારે અમે ખુલ્લેઆમ સજા કરીશું, ત્યારે તમે જોશો. સત્તામાં એવી કોઈ મોટી તાકાત નથી કે જે લોકોને ન્યાય ન આપી શકે. ભલે થોડા સમય માટે આજે એનો સમય હોય અને એણે ગોળીઓ મારી હોય. હા, અમારી સરકાર આવશે ત્યારે અમે જનરલ ડાયરને સજા કરીશું. તાકાત સત્તામાં નથી, તાકાત જનતામાં છે. જનતા અમને આશીર્વાદ આપશે.





