(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતની વિવિધ ખાડીઓમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને થયેલા ખાડી પુરાણને કારણે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પુરની વિકટ પરિસ્થિતિ માંથી માંડ નીકળેલી પ્રજા માટે હવે આરોગ્ય સંબંધિત ચિંતા ઓ વધવા લાગી છે. પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી,કાદવ અને દુષિત પાણીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડીના રોગના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા આરોગ્ય કેમ્પોમાં અત્યાર સુધી સારવાર માટે આવેલા દર્દીઓમાં સૌથી વધુ ચર્મ રોગના દર્દીઓ નોંધાયા છે. પૂરની સ્થિતિ સામાન્ય બન્યા બાદ પાલિકા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચારો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે. ઉપરાંત નાગરિકોને હોસ્પિટલ સુધી જવાની જરૂર ન પડે અને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૧ જુલાઈ થી શહેરના પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
આ અંગે પાલિકા દ્વારા અઠવા ઝોનમાં એક, ઉધના ઝોન – એ માં પાંચ , વરાછા ઝોન – એ માં ત્રણ, સરથાણા ઝોન માં બે અને લિંબાયત ઝોનમાં ચાર સહિત કુલ ૧૮ સ્થળે મેડિકલ કેમ્પ કાર્યરત છે. આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ,ચર્મરોગ નિષ્ણાંત, લેબ ટેક્નિશિયન અને અન્ય આરોગ્ય કર્મચારીઓને ટીમ દ્વારા નાગરિકોની તપાસ કરીને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.
જ્યારે ૧૧ જુલાઈ થી રવિવારે બપોર સુધીમાં અંદાજે ૪૦૦૦ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ૮૨૫ દર્દીઓને ચામડીના રોગની સારવાર આપવામાં આવી હતી. જે પૂર બાદ આરોગ્ય માટે ઊભા થયેલા સૌથી મોટા પડકાર તરીકે સામે આવ્યું છે. ઉપરાંત ૩૫૭ લોકોને તાવ, ૨૬૪ લોકોને સામાન્ય ઝાડા અને ૮૨ લોકોને ઝાડા – ઉલ્ટી ની ફરિયાદ નોંધાઈ હતી.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ચામડીનો ચેપ, તાવ અને પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખીને સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. આમ શરૂ કરાયેલા તમામ મેડિકલ કેમ્પો આગામી શનિવાર સુધી કાર્યરત રહેશે. એમ જણાવ્યું હતું.





