
મોંઘવારીની ચેતવણી આપતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી.સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની નિશ્ચિત છે : ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પણ વધારી દેવાશે : રાહુલ ગાંધી.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. સતત રૂપિયાની હાલત ખરાબ થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે મોંઘવારીને લઈને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટી પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે. તેમણે ઉદ્યોગ જગતમાં વપરાતા ફ્યૂલના ભાવમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરીને લખ્યું કે, આ માત્ર આંકડા જ નથી, આગામી દિવસોમાં આવનારી મોંઘવારીના સ્પષ્ટ સંકેત છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણ ગેસ (એલપીજી)ના ભાવમાં પણ ઉછાળાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે પોતાની એક્સ પોસ્ટમાં આવનારા દિવસોમાં ભાવ વધારાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ મોંઘા થશે.
રાહુલ ગાંધીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર સૌથી વધુ અસર પડવાની વાત કરી છે. તેમણે લખ્યું છે કે, MSME ને સૌથી વધુ નુકસાન થશે, રોજિંદા વસ્તુઓના ભાવ વધશે. આવનારા દિવસોમાં શેરબજાર પર અસર પડવાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ વિદેશી રોકાણકારો (FII)નો પણ ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશી રોકાણકારોના પૈસા ઝડપથી બહાર જશે, જેનાથી શેરબજાર પર દબાણ વધશે.
પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકારને ઘેરતાં રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે, દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની નિશ્ચિત છે અને આ માત્ર સમયની વાત છે – ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પણ વધારી દેવામાં આવશે. તેમણે આગળ લખ્યું છે, મોદી સરકાર પાસે ન તો દિશા છે, ન તો રણનીતિ – માત્ર નિવેદનબાજી છે. સવાલ એ નથી કે સરકાર શું કહી રહી છે – સવાલ એ છે કે તમારી થાળીમાં શું બચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલું ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ છેલ્લા ૨૨ દિવસથી ચાલુ છે. યુદ્ધની આંચ ખાડી દેશો ઉપરાંત હવે ભારત સુધી પણ પહોંચી રહી છે. ભારત આવતા તેલ અને ગેસના જહાજાેને હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતથી ફળ-શાકભાજીનું નિર્યાત કરતા ખેડૂતો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે જલ્દી શાંતિ સ્થાપિત ન થાય તો પશ્ચિમ એશિયાના આ યુદ્ધના લાંબા ગાળાના અસરો દેખાશે.




