
શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક.સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ!.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.એક તરફ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, સરકારી વિભાગોમાં ભરતી કરીને શિક્ષિત યુવાઓને તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં આજે પણ સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ કરાર આધારિત નોકરી આપવાનો ક્રમ જારી રહ્યો છે. ૫૮ વર્ષ નિવૃત્તિ પછી પણ સરકારના માનીતા અધિકારીઓને પુન: તક આપી નોકરીમાં ગોઠવી દેવાયા છે. પરિણામે સચિવાલય, બોર્ડ-નિગમો જાણે ઘરડાઘરમાં તબદીલ થયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આજે શિક્ષિત, કાબેલ, હોનહાર યુવાઓની કમી નથી તેમ છતાં પણ સચિવાલય, બોર્ડ-નિગમો સહિત અન્ય સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ નોકરી અપાઈ રહી છે. ખુદ સરકારે સ્વીકાર્યું કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં અન્ન-નાગરિક પુરવઠા વિભાગમાં ૯, વન પર્યાવરણ વિભાગમાં ૮, ગૃહ વિભાગમાં ૭૭, માહિતી પ્રસારણ વિભાગમાં ૧૭, નર્મદા જળસંપત્તિ વિભાગમાં ૪૩, માર્ગ મકાન વિભાગમાં ૧૫ અને વિજ્ઞાન પ્રોદ્યોગિકી વિભાગમાં ૨ નિવૃત્ત અધિકારી-કર્મચારીઓને પુન: નોકરીએ રખાયા હતાં.
એક સ્થાન પર વર્ષાે સુધી ચીટકીને ખાઉધરીમાં માસ્ટરી હાંસલ કરનારા અધિકારી-કર્મચારીઓને વયનિવૃત્તિ પછી પણ તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં યુવાઓને તક આપવી જાેઈએ. સરકાર પણ જાણે વહીવટમાં નિપુણ હોવાના બહાને નિવૃત્તોને નોકરીએ રાખી રહી છે. સ્થિતિ એવી થઈ છે કે, મહત્ત્વના પદ પર નિવૃત્તોનો દબદબો રહ્યો છે.માર્ગ મકાન વિભાગ એક નિવૃત્ત અધિકારીએ રસ્તાના કોન્ટ્રાક્ટમાં એટલો ભ્રષ્ટાચાર કર્યાે છે કે તેની ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય જ નહીં, છેક દિલ્હી પીએમઓ સુધી પહોંચી છે તેમ છતાંય બે દિવસ પહેલાં જ આ ભ્રષ્ટ અધિકારીને વધુ એક વર્ષનું એક્સ્ટેશન અપાયું છે. એક તબક્કે નિવૃત્તિ પછી કરાર આધારિત નોકરી નહીં આપવાનું નક્કી કરાયું હતું. જાે કે ફરી એકવાર આ ફાઈલો પર ફરી સહી થવા માંડી છે. કેટલાંય વિભાગોમાં નિવૃત્ત અધિકારીઓ એક પછી એક એક્સ્ટેન્શન મેળવી રહ્યાં છે. જ્યારે બેરોજગાર શિક્ષિતો સરકારી નોકરીની ભરતીની કાગડોળે રાહ જાેઈ રહ્યાં છે.





