
સાંપ્રત સમયમાં કોઈ પણ મિડિયા પર અત્યારે સંભવિત યુદ્ધનાં સમાચારો અને એની સાથે જોડાયેલી અફવાનું બજાર ગરમ છે! અને એટલે આવી ખોટી અફવા ફેલાય નહીં, એટલે સરકારે સોશિયલ મીડિયા પર યુદ્ધને લગતાં કોઈપણ પ્રકારનાં સમાચાર પર પ્રતિબંધ મુકી દીધો છે!; સરકારે તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારે નહીં, અને આમ જનતાના ફાયદા માટે પેટ્રોલ ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટી ઘટાડી દીધી! જ્યારે અન્ય દેશોમાં ભાવ વધારો ઝીંકાયો છે! રાંધણ ગેસ એટલે કે એલપીજીનાં વિકલ્પ તરીકે પીએનજી કનેક્શન વધારવા માટેની જોગવાઇ પણ શરૂ કરાઈ છે. જોકે આપણે એમાં પણ જવું નથી, પરંતુ મૂળમાં આ પરિસ્થિતિનું કારણ શું છે? એ જોઈએ તો! ઈરાન ઈઝરાયેલ વચ્ચેનાં યુદ્ધને લીધે હોર્મુઝનો દરિયાઈ માર્ગ સીલ કરી દેવાયો છે, અને આ 55 થી 95 કિલોમીટર લાંબી ખાડીમાં ભારત સહિત કેટલાય દેશનાં જહાજો ફસાયા છે, અને એને કારણે લગભગ વિશ્વ આખું કેટલીય વણ નોતરી સમસ્યાનો સામનો કરી રહ્યું છે! યુદ્ધ શું કામ? અને ભારત પર એની શું અસર પડશે? એમાં પણ આપણે જવું નથી! પણ યુદ્ધથી માત્ર જાનહાનિ નથી થતી, પણ જે તે દેશ યુદ્ધની રણનીતિનો ભોગ બને છે, એ આર્થિક રીતે પણ ખુવાર થઈ જાય છે! અને અત્યારે સમગ્ર વિશ્વમાં જે રીતે વસ્તી વધે છે, જે રીતે ફુગાવો અને મોંઘવારી વધે છે, અને આ કારણે હિંસા વધતી જાય છે! એમાં આ યુદ્ધ..એટલે એમ કહો કે સર્વત્ર મંદીનો અને અશાંતિનો માહોલ છે! પણ એનાથીયે સૂક્ષ્મ ચિંતન કરીએ કે કોઈપણ પ્રકારનું યુદ્ધ થાય છે શું કામ? ચાલો સાવ તળિયેથી શરૂ કરીએ.
લોકતંત્રમાં ચૂંટણીનું ખૂબ જ મહત્વ હોય છે, અને દરેક નાગરિક પોતાની રીતે શ્રેષ્ઠ નેતાની વરણી કરે છે! પણ આ વાત તો થઈ નાગરિક બન્યા પછીની, એટલે કે 18 વર્ષ પછીની. પરંતુ કોઈને કોઈ રીતે ચૂંટણી વિદ્યાર્થી જીવનથી શરું થાય છે! એટલે કે ક્લાસ મોનિટર અથવા કેપ્ટન! પછી ધીરે ધીરે કોલેજમાં જીએસ અને એલએસ ! આમ એને શ્રેષ્ઠીની વરણી કરવાની હોય છે, અથવા તો પોતે લીડરશીપ ની રેસનો હિસ્સો બન્યાં હોય! પણ આપણે સૌ જાણીએ છીએ એમ મોનિટર થી માંડીને જીએસ બધાને શું કામ બનવું હોય છે? કારણ કે આ પદવી સાથે એને અમુક હક્ક એટલે કે સત્તા અથવા પાવર મળે છે! બસ આમ જ જાણે અજાણે લીડરશીપ ની કે સત્તાની બોલબાલા વધતી જાય છે! અને એમાં પણ કોઈ ગલત વ્યક્તિને આ પદ કે સત્તા મળી જાય તો, આખી સીસ્ટમને એનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે! બસ આવી જ હાલત થઈ છે, આજનાં આંતર રાષ્ટ્રીય રાજકારણની! આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટે બધાં જ દેશો સાથે આપણાં સંબંધો મૈત્રીપૂર્ણ હોય એ બહુ જરૂરી છે! પણ અન્ય કોઈ દેશને બે દેશ વચ્ચે મધ્યસ્થી કરાવવાં માટે અથવાં તો યુદ્ધમાં સાથ દઈને વાતને વધુ ગૂંચવવાં જેવું છે! માત્ર સાથ દેવાને કારણે અમેરિકા એ અત્યાર સુધીમાં લાખો બિલિયન ડોલર ફૂંકી નાંખ્યા!: અને પરિણામ શું આવ્યું?; હજી એ જ સળગતી હોળી..
માત્ર થોડા સમય પહેલાં જોઈએ આપણી સરહદે પણ આ રીતનાં છમકલાં થયે રાખતાં હતાં, અને ઓપરેશન સિંદૂરની એક એક વાતથી દરેક ભારતીય વાકેફ છે! અને ત્યારે લગભગ દરેક ભારતીયની એકવાર યુદ્ધ થઈ જ જાય, અને પાકિસ્તાનને પાઠ ભણાવવો જ જોઈએ એવી માંગ હતી! પણ આપણે જાણીએ છીએ કે બરાબરનો તમાચો માર્યા પછી અને જીત આપણી પાક્કી જ છે એ, જાણવાં છતાં પણ આપણી સરકારે યુદ્ધને ટાળીને મુત્સદ્દીગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને અમેરિકા એ મધ્યસ્થી કરવાં વિચાર્યું તો એને પણ વળતો જવાબ આપી ચૂપ કરી દીધું! કારણ કે ભારતને વિકાસની સાચી કિંમત ખબર હતી! નાનું એવું યુદ્ધ પણ જે તે દેશનાં વિકાસ કે આર્થિક તંત્રને દસ વર્ષ પાછળ ધકેલી દે છે, અને આટલી મોટી વસ્તી ધરાવતાં દેશને દસ વર્ષ પાછળ જવું કોઈ પણ સંજોગોમાં પોષાય એમ નહોતું! બીજું યુદ્ધ કોઈપણ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ નથી! એ પણ આપણે જાણીએ છીએ! કારણ કે ભારતની આઝાદીને 75 વર્ષ ઉપર પૂરાં થયાં! અને આટલાં સમય ગાળામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને ચીન એમ આપણી સરહદો પર નાના મોટા એટેક થતાં રહ્યાં, અને એટલે જ આપણે ધાર્યો વિકાસ સાધી શક્યાં નહીં! ઉપરાંત દેશનું ગંદી રાજનીતિ વાળું રાજકારણ પણ કારણ રહ્યું!
અત્યાર સુધીમાં ક્યાં ક્યાં યુદ્ધ થયાં છે?, અને એ યુદ્ધના શું ગંભીર પરિણામો આવ્યાં? એ વિશે સર્ચ કરતી હતી તો, એક બહુ સરસ સમાચાર જાણવા મળ્યાં! કે યુરોપિયન કન્ટ્રી તરીકે જાણીતાં સ્વીડન એ છેલ્લા 200 વર્ષથી કોઈપણ યુદ્ધમાં ભાગ નથી લીધો, કે નથી યુદ્ધ નિતીને બઢાવો આપ્યો! 1814 પછીના બે વિશ્વ યુદ્ધમા પણ એણે તટસ્થ નિતી અપનાવી હતી! જર્મની ને શસ્ત્ર બનાવવા રો લોખંડની સપ્લાય કરી હતી! પણ આજસુધી એમણે સીધાં યુદ્ધને ટાળ્યું અને પોતાની આર્થિક તાકાત વધારી છે. સતત અશાંતિ વચ્ચેના તંગદિલી વાળા સમયનાં આ મોડ પર આ સમાચાર કેટલી હદે રાહત આપી ગયાં! કારણ કે હિંસા એ માત્ર ને માત્ર બરબાદી નોતરે છે! અત્યારનાં સંજોગોમાં કોઈપણ દેશનો ટેકો લેવો કે મધ્યસ્થી સ્વીકારવી, એટલે બે બાખડે એમાં ત્રીજો ફાવે ! એવો ઘાટ થાય. આપણે સૌએ નાના હતાં ત્યારે બે બિલાડી અને એક વાંદરાની વાર્તા સાંભળી હશે! અંતે ધીરેધીરે વાંદરો આંખી રોટલી ખાય જાય છે!; બસ એવો તાલ ઘડાય રહ્યો છે! પણ અહીં શેરની માથે સવાશેર હોય છે, એટલે કોઈએ પોતાને હોશિયાર સમજવાની ભૂલ કરવી નહીં! અને એમાં પણ ભારતીય ભેજું જ્યાં સુધી આ બધાથી દૂર છે, ત્યાં સુધી જ તમારું પલ્લું ભારે છે! જોકે હવે તો ઈઝરાયેલને ટેકો કરવાની આ લલકાર અમેરિકાને પણ ભારે પડી છે, એવું એનાં નિવેદન પર સાબિત થાય છે.
આપણી સંસ્કૃતિ સાથે પણ રામ રાવણ અને કૌરવ પાંડવનાં યુદ્ધ જોડાયેલા છે, અને આપણે એનાં પરિણામ વીશે પણ જાણીએ જ છીએ! કેટકેટલાં કુળનો વિનાશ થયો! ભલે એ ધર્મનાં અનુશાસન માટે હતું! પણ મૂળમાં તો એમાં પણ રાજગાદી અને સત્તા જ મુખ્ય પરિબળ હતાં. એટલે આપણાં લાખ ઈચ્છવા છતાં સત્તા કે અધર્મ માટે યુદ્ધ આગળ પણ થશે જ! પરંતુ શું આવાં સંજોગોમાં શાંતિની અપીલ કે સંવાદની આશા રાખી શકાય નહીં? કારણ કે યુદ્ધમાં નિર્દોષોની હત્યા થયા વગર રહેતી નથી! એટલે કે વિશ્વ એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યું છે અને ટેકનોલોજી ના આ સમયમાં વિકાસનાં એવાં કેટલાંય અન ટચ ક્ષેત્ર છે, જ્યાં વિકાસ થાય તો દરેકને ભાગે સુખ અને સમૃદ્ધિ સહજ બની શકે! એટલે માનવીય દ્રષ્ટિકોણ અપનાવી માનવતાનાં હિત માટેનાં નિર્ણયોને આવકાર્ય હોવા જોઈએ. શું પાંચ વર્ષ માટે વિશ્વના દરેક દેશે સરહદો પર શસ્ત્રોનો પ્રયોગ કરવો નહીં, એવો એક આંતરરાષ્ટ્રીય ખરડો પસાર થાય ! અને લોકો આ યુદ્ધનાં ખરાબ પરિણામો તેમજ સત્તાની લાલચથી દૂર રહી હળીમળીને રહે તો! બસ આવી વસુધૈવ કુટુંબની ભાવના પ્રબળ બને. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)





