હુથી બળવાખોરોની ધમકી બાદ ટેન્કર્સે બદલ્યો માર્ગ હોર્મુઝ બાદ નવો માર્ગ પણ ઠપ, ભારત-ચીન આવતા સાઉદીના ઓઇલ ટેન્કર્સનો યુ-ટર્ન બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત અને ચીન માટે ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે જે વાતનો સૌથી મોટો ડર હતો તે જ આખરે સામે આવ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બાદ હવે બીજાે વોર ફ્રન્ટ ખુલી ગયો છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોની ખુલ્લી ધમકી બાદ ભારત અને ચીન તરફ આવી રહેલા બે ક્રૂડ ઓઇલના ટેન્કર્સને યુ-ટર્ન લેવાની ફરજ પડી છે.આ બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત અને ચીન માટે ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું. તેમની યોજના મુજબનો માર્ગ બાબ-અલ-મંદેબ થઈને હિંદ મહાસાગરમાં પ્રવેશવાનો હતો. પરંતુ હુથી બળવાખોરો તરફથી મળેલી હુમલાની ધમકીઓને કારણે આ જહાજાે હિંદ મહાસાગર તરફ જવાના બદલે ઊંધા ફરીને સ્વેઝ નહેર તરફ આગળ વધી ગયા છે. હવે આ ટેન્કર્સને ખૂબ જ લાંબો રસ્તો કાપીને પોતાની મુસાફરી પૂરી કરવી પડશે.ઉત્તરી અને પશ્ચિમી યમન પર નિયંત્રણ ધરાવતા હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની નૌસૈનિક ઘેરાબંધીની જાહેરાત કરી છે. તેમણે શિપિંગ કંપનીઓને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ જહાજ સાઉદી ઓઇલ લોડ અથવા અનલોડ કરશે તેના પર સીધો હુમલો કરવામાં આવશે. યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી બહાર નીકળવાનો મુખ્ય માર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ પહેલેથી જ બંધ થઈ ગયો છે, જેથી સાઉદી અરેબિયા માટે રેડ સી ઓઇલ નિકાસ માટેનો મુખ્ય વિકલ્પ બન્યો હતો. યાનબૂ પાઇપલાઇન દ્વારા દરરોજ લાખો બેરલ સાઉદી ઓઇલ આ જ માર્ગે મોકલવામાં આવતું હતું, પરંતુ હવે અહીં પણ નવો મોરચો ખુલતા મોટું સંકટ ઊભું થયું છે.આ નવો તણાવ ઊભો થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ૨%થી વધુનો વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૯૧ ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે, જ્યારે અમેરિકન ગેસોલીનની કિંમત ફરી એકવાર ૪ ડોલર પ્રતિ ગેલનથી ઉપર પહોંચી ગઈ છે.આ સમગ્ર ઘટનાક્રમ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે હુથી બળવાખોરોએ હજુ સુધી બાબ અલ-મંદેબનો માર્ગ સંપૂર્ણપણે બંધ કર્યાે નથી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જાે તેઓ આવું કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે પુષ્ટિ કરી હતી કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૮ અમેરિકન સૈનિકો શહીદ થયા છે, જેમાં તાજેતરમાં જાેર્ડન અને ઈરાકમાં અમેરિકન સૈન્ય મથકો પર થયેલા ઈરાની હુમલામાં માર્યા ગયેલા ચાર સૈનિકો પણ સામેલ છે.બીજી તરફ, અમેરિકન સેનાએ સતત ૧૧મી રાત્રે ઈરાન પર ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ઈરાનની રાજધાની તેહરાન ઉપરાંત દક્ષિણ-પૂર્વ તટીય શહેરો ચાબહાર અને કોનાર્કમાં પણ જાેરદાર વિસ્ફોટો થયા છે. બુશેહર શહેરમાં પણ બે વિસ્ફોટો સંભળાયા હતા, જ્યાં ઈરાનનો એકમાત્ર પરમાણુ ઊર્જા પ્લાન્ટ આવેલો છે. આ પહેલા ઈરાને બહેરીન, કુવૈત અને જાેર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝને નિશાન બનાવ્યા હતા અને હોર્મુઝના મુખ પર એક ટેન્કર પર હુમલો કર્યાે હતો.





