
પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ ઈઝરાયેલને ‘દાનવ’ ગણાવતા વિવાદ ઈઝરાયેલના વડાપ્રધાન ઉપરાંત અમેરિકાના અગ્રણીઓએ પણ મધ્યસ્થી માટે પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઊઠાવ્યા આતંકવાદ અને હિંસાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે પંકાયેલા પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાને યુએસના ખાસ સાથીદાર ઈઝરાયેલને દાનવ ગણાવતા વિવાદ ઊભો થયો છે, જેની અસર વાટાઘાટો પર પડવાની શક્યતા છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મ્દ આસફે એક્સ પોસ્ટ પર ઈઝરાયેલને દાનવ અને માનવતા માટે અભિશાપ ગણાવ્યું હતું. તેમણે ઈઝરાયેલ પર લેબનોનમાં સામૂહિક નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે ઈઝરાયેલે પહેલા ગાઝામાં, પછી ઈરાન અને હવે લેબનોનમાં નિર્દાેષ નાગરિકોની હત્યા કરી છે. પેલેસ્ટાઈનની ભૂમિ પર કેન્સર જેવા ઝેરીલા દેશની સ્થાપના કરનારા લોકોને તેમની ચુંગાલમાંથી મુક્તિ મળે અને યુરોપીયન યહૂદીઓ દોજખની આગમાં સળગે. યુદ્ધ વિરામ જાહેર થયા બાદ ઈસ્લામાબાદમાં સંધિ માટે વાટાઘાટો થવાની છે ત્યારે તેના ૫૦ કલાક પૂર્વે પાકિસ્તાનના મંત્રીના નિવેદનથી ઈઝરાયેલ ઉપરાંત અમેરિકાના અનેક અગ્રણીઓ રોષે ભરાયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ જણાવ્યુ હતું કે, ખ્વાજા આસિફનું નિવેદન સહેજ પણ સાંખી શકાય તેમ નથી. ખાસ કરીને શાંતિ પ્રક્રિયામાં તટસ્થ દેશ તરીકે ભૂમિકા ભજવવાનો દાવો કરી રહેલા પાકિસ્તાન તરફથી થયેલા આ પ્રકારના દાવા ચિંતાજનક છે. યુએસ સાંસદ જાેશ ગોટ્ટહેઈમરે ઈઝરાયેલ સામેની હેટ સ્પીચને વખોડી કાઢી હતી. યુએસના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ તથા વિશ્લેષકોએ પાકિસ્તાનના ઈરાદા સામે શંકા વ્યક્ત કરી હતી અને લાદેનને છુપાવવામાં પાકિસ્તાને ભજવેલી ભૂમિકાની યાદ અપાવી તેની વિશ્વસનીયતા સામે સવાલ ઊઠાવ્યા હતા.





