થાઈલેન્ડમાં રમતના મેદાન પર ભયાનક દુર્ઘટના! LIVE મેચમાં વીજળી પડતા ખેલાડીનું મોત નિપજ્યું ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું અને આશરે ૧૨ ખેલાડી ઈજાગ્રસ્ત
રમતને મનોરંજનનું એક માધ્યમ માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર રમતના મેદાન પર એવી દર્દનાક દુર્ઘટના થાય છે, જે બધાને ઝકઝોર કરી દે છે. આવી ઘટના થાઈલેન્ડમાં એક ફુટબોલ મેચ દરમિયાન બની છે. ૨૪ વર્ષના થાઈ ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું છે અને આશરે ૧૨ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ પ્રમાણે ગોલોક એફએ કપ નામની એક સ્થાનિક ટૂર્નામેન્ટ ચાલી રહી હતી, જેમાં થાઈ-મલેશિયાની ટીમો ભાગ લઈ રહી હતી. મંગળવારે સેમકોલ્ટ્સ અને અબૂ ઠ નોંગ સિરિન વચ્ચે મેચ રમાઈ હતી. સોફ્વાન અવાઈ સેમકોલ્ટ્સ ટીમ માટે વિંગર તરીકે રમી રહ્યો હતો. થાઈલેન્ડમાં ચાલી રહેલી આ મેચ દરમિયાન અચાનક વીજળી પડી, જેના કારણે તેનું મોત થયું છે.
રિપોર્ટ્સ પ્રમાણે તેને ગંભીર ઈજા થઈ અને મેડિકલ ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે દમ તોડી દીધો. મેદાન પર વીજળી પડવાથી અવાઈનું નિધન થઈ ગયું. તો ૧૨ ખેલાડીઓને ઈજા થઈ છે. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
રિપોર્ટ્સમાં તે જણાવવામાં આવ્યું છે કે થાઈલેન્ડમાં વીજળી પડવાથી થતાં મૃત્યુ સામાન્ય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝીસ કંટ્રોલ અનુસાર ૨૦૨૦થી ૨૦૨૪ વચ્ચે ૨૮૩ લોકો પર વીજળી પડી, જેમાં મોટા ભાગના લોકોએ જીવ ગુમાવ્યા. ફુટબોલ એસોસિએશન ઓફ થાઈલેન્ડે સોફ્વાન અવાઈના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું ‘એસોસિએશન આ ક્ષતિ પર પોતાના તરફથી શોક વ્યક્ત કરે છે. આ દુખદ સમયમાં તેમના પરિવાર, ફુટબોલ ક્લબ અને તેનાથી પ્રભાવિત લોકો પ્રત્યે અમારી સંવેદનાઓ છે.‘





