
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેર ભાજપમાં વાલ્મીકિ સમાજના અનેક કાર્યકરે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ભાજપ પાસે ટિકિટની (ઉમેદવારી) માંગણી કરી હતી. પરંતુ ભાજપે કોઈ પણ કાર્યકારની કદર ના કરી વાલ્મીકિ સમાજની વસ્તીને નારાજ કરી છે. જે કાર્યકરોને ટિકિટ આવશે એવી આશાએ ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા એટલું જ નહીં ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે સંખ્યા દેખાડવા માટે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ ને મોટી સંખ્યામાં હાજર રાખવામા આવે છે. આ કાર્યકરો અગત્યની ભૂમિકા ભજવતા હતા. તેવા કાર્યકરો ને ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી નહીં કરી બહારનો રસ્તો બતાવી સમાજમાં જે મોટા ભા થઈ ને ફરતા હતા તેઓને તેમની પાર્ટીમાં કેટલી કિંમત છે તે બતાવી દીધું છે. ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ તો કોઈ વાલ્મીકિ સમાજના કાર્યકર સાથે
પ્રેમથી વાત કરવા પણ તૈયાર ના હતા. તા.૧૧/૦૪/૨૦૨૬ ના રોજ વાલ્મીકિ સમાજના કેટલાક કાર્યકરો પાર્ટી ઓફિસે શહેર પ્રમુખ પરેશ પટેલ ને મળવા ગયા હતા અને તેઓએ વાલ્મીકિ સમાજની ઉપેક્ષા કરી સમાજમાંથી કોઈની પસંદગી નહીં કરતાં વાલ્મીકિ સમાજે આક્રોશ વ્યકત કર્યો હતો. જેથી નારાજ થઈ પરેશ પટેલે આ વાલ્મિકી સમાજના કાર્યકરો ને હડધૂત કરી ને કાઢી મુકયા હતા. સદર આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અમો સુરત શહેરના સમગ્ર વાલ્મિકી સમાજ વતી આપને સ્પષ્ટ લાગણીભર્યા શબ્દોમાં જણાવવા માગીએ છીએ કે, સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં વાલ્મિકી સમાજને એક પણ ટિકિટ આપવામાં ના આવતા સમાજમાં ભારે રોષ, દુઃખ અને અસંતોષ ફાટી નીકળ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર મતદાર નહીં પરંતુ જમીન સ્તરના સૈનિક તરીકે કામ કર્યું છે. દરેક ચૂંટણીમાં, દરેક સંજોગોમાં, અમે પક્ષ સાથે ખભે ખભા મિલાવીને ઉભા રહ્યા છીએ. છતાં પણ આ વખતે અમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છીએ જે સીધો અન્યાય અને અપમાન સમાન છે. અમારી સ્પષ્ટ લાગણી અને માંગણી છે કે, આ અવગણના હવે સહનશક્તિની બહાર છે વારંવારના અન્યાય બાદ આ નિર્ણય વાલ્મિકી સમાજ માટે "અંતિમ ઘા" સમાન છે. "સબકા સાથ, સબકા વિકાસ" માત્ર સૂત્ર બની રહ્યું છે. જ્યારે વાસ્તવિક પ્રતિનિધિત્વ આપવામાં નથી આવતું, ત્યારે આ નારો જમીન પર ખાલી દેખાય છે. SC બેઠકમાં એમાં પણ વાલ્મિકી સમાજને અવગણવો એ ગંભીર બાબત છે. આ નિર્ણય સમાજમાં સ્પષ્ટ સંદેશ આપે છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં વાલ્મિકી સમાજની માત્ર અવગણના જ કરવામાં આવી છે.કાર્યકર્તાઓમાં બળવા જેવી સ્થિતિ છે. જમીન સ્તરે કાર્યરત કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ છે, જે હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. વાલ્મીકિ સમાજની દૃઢ માંગણી છે કે, જો તાત્કાલિક વાલ્મિકી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે, તો આવનારા સમયમાં સમાજ દ્વારા સંગઠિત અને મજબૂત રાજકીય નિર્ણય લેવામાં આવશે.સમાજ હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ હક માંગે છે. જરૂરી બનશે તો, સમગ્ર વાલ્મિકી સમાજ એકજૂથ થઈને પોતાનો માર્ગ પસંદ કરશે.





