
ભારતે વિરોધ કર્યો ચીનનો દાવો: અરૂણાચલ પ્રદેશ ભારતનું અંગ નથી, અમારો ઝાંગનાન પ્રદેશ છે ચીને ધમકી આપી, કેટલાક વિસ્તારોના નામ બદલવાનો વિરોધ ભારત સાથેના સંબંધો બગાડી શકે અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નવા નામો આપવાના પોતાના ર્નિણયનો બચાવ કરતા ચીને મંગળવારે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધો સુધારવા અંગેની અમારી નીતિમાં કોઇ ફેરફાર થયો નથી અને તે નીતિ આજે પણ યથાવત છે. અરૂણાચલ પ્રદેશ ભારતના અંગ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરતાં ચીને તેને પોતાનો ઝાંગનાન પ્રદેશ ગણાવ્યો હતો.અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નકલી નામો જાહેર કરવાના ચીનના પ્રયાસોને ભારતે રવિવારે અત્યંત કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા અને ભારપૂર્વક કહ્યું હતું કે પાયાવિહોણા કથનો પેદા કરવાના આ પ્રકારના પ્રયાસોથી વાસ્તવિકતા બદલી શકાતી નથી, ઉલ્ટાનું આ પ્રકારના પ્રયાસોથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય કરવાની સમગ્ર પ્રક્રિયા ખોરવાઇ શકે છે.
ભારત જેને પોતાની અખંડ ભૂમિનો એક ભાગ ગણે છે તે અક્સાઇ ચીન વિસ્તારમાં બેઇઝિંગ દ્વારા ત્રીજું નવું ગામ સ્થાપવાના પરિપ્રેક્ષ્યમાં ભારતે ચીનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. જે વિસ્તાર ભારતના સાર્વભોમત્વનો એક હિસ્સો છે તે વિસ્તારને બનાવટી અને નકલી નામ આપવાના ચીનના પ્રયાસોને ભારત આકરા શબ્દોમાં વખોડી નાંખે છે એમ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.જયસ્વાલના નિવેદન ઉપર ટિપ્પણી કરવા માટે બોલાવેલી પત્રકાર પરિષદને સંબોધતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકિને પત્રકારોને કહ્યું હતું કે ઝાંગનાન પ્રદેશ એ ચીનની ભૂમિનો એક ભાગ છે અને ભારત દ્વારા ઉભા કરાયેલા કથિત અરૂણાચલ પ્રદેશને ચીન ક્યારેય માન્યતા આપતું નથી. ઝાંગનાન પ્રદેશમાં આવેલાં કેટલાંક વિસ્તારોના નવા નામ આપવા એ ચીન સરકારનો સાર્વભૌમ અધિકાર છે, એમ ચીનના પ્રવક્તાએ કહ્યું હતું. તે સાથે તેમણે ઉમેર્યું હતું કે હાલના તબક્કા ભારત ને ચીનના સંબંધો એકદમ સ્થિર છે, અને ભારત સાથેના સંબંધો સુધારવાની ચીન સરકારની નીતિમાં આજે પણ કોઈ પરિવર્તન આવ્યું નથી.





