
ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ ૨.૦૫ કરોડની ઠગાઈના ચારેય આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ વિદેશી ચલણ USDT અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાનું કોર્ટનું તારણ રોકાણકારોને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ડોક્સી ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે કાયદાનો સકંજાે વધુ મજબૂત બન્યો છે. રૂ. ૨.૦૫ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, વિદેશી ચલણ USDT અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપીઓ જય બલરામ કાકવાણી, નામદેવ રાજકુમાર મીરાણી, નિખીલ તવલે અને સંજય હરિરામ હેમરાજાણીએ રોકાણકારોને લલચામણી સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધા હતા.
ફરિયાદી પાસેથી આ ટોળકીએ કુલ રૂ. ૨,૧૮,૫૫,૮૫૦ મેળવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં માત્ર રૂ. ૧૩,૧૯,૩૦૦ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. ૨,૦૫,૩૬,૫૫૦ ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા ચારેય આરોપીએ ધરપકડથી બચવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે સંડોવી દેવાયા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ, તેથી જામીન આપવા જાેઇએ.જાેકે, જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, આર્થિક ગુનાઓ સમાજ અને અર્થતંત્ર માટે જાેખમી છે, જેનું કદ ઘણું મોટું છે. આરોપીઓ સામે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીના કેસો નોંધાયેલા છે. આરોપીઓ સામે તપાસ જારી છે તેથી આગોતરા જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની અથવા સાક્ષીઓ ફોડે તેવી શક્યતા છે ત્યારે આવા કેસમાં આરોપીઓને આગોતરા જામીન ન આપવા જાેઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન રદ કરી દીધા છે. નોંધનીય છે કે, આગોતરા જામીન નામંજૂર થતા હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કૌભાંડના તાર કેટલા ઊંડા છે અને અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની વિગતો ટૂંક સમયમાં બહાર આવી શકે છે.





