હુમલાખોરે લાઇવ સ્ટ્રીમિંગ કર્યુ હોવાની શંકા ઝામ્બોઆંગાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યુ ફાયરિંગ સાતમા ધોરણના બે હથિયારધારી વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી મંગળવારે દક્ષિણ ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા શહેરની એક હાઇ સ્કૂલમાં ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે.
એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હાઇસ્કૂલ વિભાગમાં સાતમાં ધોરણના એક વિદ્યાર્થીએ બે બંદૂકો સાથે અચાનક હુમલો કરી દીધો હતો. આ ગોળીબારમાં એક સાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે, જેને લઈને સમગ્ર શાળા પરિસરમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક મેયર ખૈમર અદાન ઓલાસોના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થીએ આ ભયાનક કૃત્યનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે બોડી કેમેરા પહેર્યો હોવાની પ્રબળ શંકા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને કેમ્પસમાં ફસાયેલા સેંકડો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. થોડા કલાકોની જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈ લીધી હોવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય પોલીસ વડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે તેમજ અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. સત્તાવાળાઓ હાલમાં આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે આ પાછળનું ચોક્કસ કારણ શું હતું. ફિલિપાઇન્સમાં લાઈસન્સ વિનાના હથિયારોના કારણે હિંસાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ શાળાઓની અંદર આ પ્રકારે ગોળીબાર થવાની ઘટનાઓ પ્રમાણમાં ખૂબ જ દુર્લભ છે. આ ઘટનાએ દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને સરકારે શાળાઓમાં સુરક્ષા વધારવાની ખાતરી આપી છે.





