
સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદનો પ્રિયંકા ગાંધી પર પલટવાર કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવ્યાનો જશ્ન મનાવ્યો કોંગ્રેસની સરકારમાં ટ્રિપલ તલાક અભિશાપ હતો: સ્મૃતિ ઈરાની મહિલા અનામત સાથે જાેડાયેલા બિલો લોકસભામાં પસાર ન થઈ શક્યા.
આ ઘટના બાદ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ હવે સંસદથી રસ્તાઓ પર આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માગ કરી કે લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યામાં જ મહિલા અનામત લાગુ કરવામાં આવે. તેમણે આ બિલ પડવાને બંધારણ અને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી.
પ્રિયંકા ગાંધી પર ભારતીય જનતા પાર્ટી તરફથી રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રકારનો અહેસાન જતાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ એ વાતનો જશ્ન મનાવ્યો કે દેશની મહિલાઓનો અધિકાર કેવી રીતે છીનવી લેવામાં આવ્યો.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, આજે કોંગ્રેસ તરફથી કટાક્ષ કરવામાં આવ્યો છે કે, ભાજપમાં કોઈએ મસીહા બનવાની કોશિશ કરી. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ટ્રિપલ તલાક એક અભિશાપ બનીને રહ્યો હતો. તેમણે ચૂંટણીની વચ્ચે સત્ર બોલાવવાના વિપક્ષના આરોપ પર કહ્યું કે, સત્રની વચ્ચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી થઈ હતી અને ત્યાં કોની જીત થઈ હતી, તે કહેવાની જરૂર નથી.
રવિશંકર પ્રસાદે પ્રિયંકા ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સામાન્ય રીતે હું પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી નથી કરતો, પરંતુ આજે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું કે દેશની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમની ભાષા ખોટી હતી, મહિલાઓ કોઈ વસ્તુ નથી.
રવિશંકર પ્રસાદે ઉમેર્યું કે, મહિલાઓની આકાંક્ષાઓને કચડી નાખવામાં આવી છે. કોંગ્રેસનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે અને આ દુ:ખ દરેક મહિલા યાદ રાખશે. તેમણે કોંગ્રેસની સમજ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, તેમને બંધારણ સમજાવવું પડશે. પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે આ મુદ્દાને લઈને ગામડે ગામડે જઈશું.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજુએ કહ્યું કે, વિપક્ષે મહિલાઓને અનામત આપવાનું બિલ પસાર થવા ન દીધું, તેનાથી અમે સૌ દુ:ખી છીએ. દુ:ખી એટલા માટે છીએ કારણ કે મહિલાઓને તેમનો અધિકાર ન આપી શક્યા. રિજીજુએ કહ્યું કે, જાે રાહુલ ગાંધી એમ કહેતા હોય કે મહિલાઓને અનામત આપવી તે અલોકતાંત્રિક છે, તો તેમને અમે કેવી રીતે સમજાવી શકીએ.
કિરેન રિજીજુએ કહ્યું કે, કોંગ્રેસ પર મહિલા વિરોધી પાર્ટી હોવાનો સિક્કો વાગી ગયો છે. આટલું મહત્વનું બિલ હતું કે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં વધુ મહિલાઓ ચૂંટાઈને આવે, તેમાં કોંગ્રેસ પાર્ટીને શું વાંધો હોઈ શકે? તેમણે અંતમાં કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આનું નુકસાન ભોગવવું પડશે.





