(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારત જેવા લોકશાહી દેશમાં સત્તાની સૌથી મોટી તાકાત જનતાનો વિશ્વાસ છે અને તેની સૌથી મોટી નબળાઈ જનતાનો સતત વધતો અસંતોષ. કોઈ પણ સરકાર ગમે તેટલી શક્તિશાળી હોય, તેની પાસે ગમે તેટલાં સંસાધનો હોય અને તેનું રાજકીય સંગઠન ગમે તેટલું વિશાળ હોય, પરંતુ જ્યારે સામાન્ય નાગરિકને લાગે કે તેની વાત સાંભળવામાં આવતી નથી તેના અધિકારોની અવગણના થાય છે અને તેની સમસ્યાઓનો ઉકેલ મળતો નથી, ત્યારે અસંતોષ ધીમે ધીમે આંદોલનોનું સ્વરૂપ ધારણ કરે છે. આજે દેશની રાજનીતિ સામે ઊભો થયેલો એક મહત્વનો સવાલ આ જ છે: શું વર્ષ ૨૦૨૬ નરેન્દ્ર મોદી યુગના અંતની શરૂઆત સાબિત થઈ શકે છે? આ સવાલનો જવાબ અત્યારે નિશ્ચિતપણે આપી શકાય તેમ નથી. પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિને અવગણવી પણ યોગ્ય નથી. પરંતુ હાલની તકે ૨૦૧૧ ના અન્ના હજારેના આંદોલન અને ૨૦૨૬ના યુવા વિરોધ વચ્ચેની સમાનતાઓ તરફ ધ્યાન આપવા જેવું છે. ૨૦૧૧ માં ભ્રષ્ટાચાર સામે ઊભા થયેલા જનઆક્રોશે દેશની રાજનીતિને હચમચાવી દીધી હતી. દિલ્હીના જંતરમંતર અને રામલીલા મેદાનમાં એકઠા થયેલા લોકોનો અવાજ આખરે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની હાર માટે અનુકૂળ રાજકીય વાતાવરણનો એક મહત્વનો હિસ્સો બન્યો હતો.
આજે ફરી દિલ્હીના રસ્તાઓ પર વિરોધના અવાજ સંભળાય છે, જોકે આ વખતે પ્રશ્નો અલગ છે અને સત્તામાં રહેલી પાર્ટી પણ અલગ છે. પરંતુ સમાન બાબત એ છે કે બન્ને વિરોધ સરકાર સામેના છે. ત્યારે મુદ્દો ભ્રષ્ટાચારનો હતો. આજે મુદ્દો પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્રો લીક થવા, યુવાનોના ભવિષ્યની અનિશ્ચિતતા અને મતદારયાદીની પ્રક્રિયા સામેના સવાલો ચર્ચાના કેન્દ્રમાં છે. યુવાનો જ્યારે પોતાના સારા શિક્ષણ, રોજગાર અને લોકશાહી અધિકારો માટે રસ્તા પર ઉતરવા મજબૂર બને, ત્યારે તેને માત્ર વિરોધ પક્ષની રાજકીય પ્રવૃત્તિ કહીને નકારી શકાય નહીં, પરંતુ એ વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને લોકોની અપેક્ષાઓ વચ્ચે વધતી ખાઈનો સંકેત પણ હોઈ શકે છે.
પરંતુ એક વાત નિશ્ચિત છે કે જનતાના સવાલોને લાંબા સમય સુધી અવગણનારી કોઈ પણ સત્તા પોતાની રાજકીય જમીનને કાયમી માની શકે નહીં, લોકશાહી માં જનતાનો અવાજ જ અંતિમ સત્તા છે.




