
CSK ને મોટો ફટકો! ટીમ માટે સૌથી વધુ રન આયુષ મ્હાત્રેને ગંભીર ઈજા આયુષની મ્હાત્રેને હેમસ્ટ્રિંગ ટિયર છે : બેટિંગ કોચ હસી
IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ટીમને મોટો ફટકો લાગ્યો છે. જેમાં સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ગંભીર ઈજા પહોંચી છે, જેની જાણકારી ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આપી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈજાગ્રસ્ત હોવાના કારણે એકપણ મેચ રમી શક્યા નથી. જ્યારે હવે બેટર આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધ્યું છે.
ચેન્નઈની છેલ્લી મેચ ગત ૧૮ એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન આયુષ બેટિંગ કરતી વખતે પીડામાં હોવાનું જણાયું હતું. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ફિઝિયોની મદદ લીધી હતી. આયુષે ૧૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૦ રનની ઇનિંગ રમી હતી. બેટિંગ કોચ હસીએ આયુષની ઈજાને લઈને કહ્યું કે, મ્હાત્રેને હેમસ્ટ્રિંગ ટિયર છે. મને નથી ખબર કે આ કેટલું ગંભીર છે. અમે સ્કેન કરાવીશું, પરંતુ આ અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. જેનાથી ટીમને મોટું નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ સિઝનમાં ચેન્નઈ માટે સૌથી વધુ રન કરનાર બેટર છે. તેણે ૬ મેચની ૬ ઇનિંગ્સમાં ૩૩.૫૦ની સરેરાશ અને ૧૭૭.૮૮ સ્ટ્રાઈક રેટથી ૨૦૧ રન કર્યા છે. આ દરમિયાન તેણે ૨ અર્ધસદી ફટકારી છે.
વધુમાં માઈકલ હસીએ કહ્યું કે, શરૂઆતી સંકેત સારા દેખાઈ રહ્યા નથી. ઈજાની ગંભીરતા સ્કેન બાદ જાણવા મળશે. આમ, ગંભીર ઈજાને કારણે આયુષ કેટલી મેચ ગુમાવશે તેની જાણકારી હસીએ આપી નથી, પરંતુ સ્કેન આવ્યા બાદ તેના વિશે ખ્યાલ આવશે.





