
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુ:ખ વ્યક્ત કર્યું જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં ૨૧ લોકોના મોત જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી : ૩૦થી વધુ ઈજાગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી. એવું કહેવાય છે કે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ બસ પલટી ગઈ અને પહાડથી નીચે પડી. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૨૧ પર પહોંચ્યો છે જ્યારે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે. બીજી તરફ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી, ત્યારે જાલો વિસ્તાર પાસે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણોની હાલમાં ખબર પડી શકી નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ અકસ્માત બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થયો હતો. એક વળાંક પર બસનું ટાયર ફાટ્યું હતું, જેના પછી પૂરઝડપે આવી રહેલી બસ બેકાબૂ બની ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવ ટુકડી દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને જણાવ્યું કે ઘાયલોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ દર્દનાક અકસ્માત પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમણે રામનગરથી ઉધમપુર જઈ રહેલી મુસાફર બસ સાથે થયેલા દુ:ખદ માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે સરકાર દુ:ખની આ ઘડીમાં પીડિતો અને તેમના પરિવારો સાથે મક્કમતાથી ઉભી છે. આ અકસ્માત પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘ઠ‘ પર પોસ્ટ કરીને લખ્યું- “ઉધમપુર-રામનગર બસ અકસ્માતથી ઊંડું દુ:ખ થયું છે, જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.” જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, “ઉધમપુરમાં થયેલો આ દુ:ખદ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈશ્વર તેમને શક્તિ આપે. હું ઘાયલોના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. મેં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, જીડ્ઢઇહ્લ અને આરોગ્ય વિભાગને નિર્દેશ આપ્યા છે કે તેઓ પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડે.”
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે થોડીવાર પહેલા જ મે ઉધમપુરના ડીસી શ્રી મિંગા શેરપા સાથે વાત કરી. મને કનોટેમાં થયેલા એક દુખદ રોડ અકસ્માત વિશે જાણકારી મળી. આ અકસ્માત રામનગરથી ઉધમપુર જતી એક પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ સંલગ્ન છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારે જાનહાનિની આશંકા છે. દરેક શક્ય મદદ થઈ રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા થઈ રહી છે.





