
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતના બંધારણમાં કલમ-૧૯ માં “ભારતના નાગરિકોને વાણી સ્વતંત્ર્ય વગેરે સંબંધી અમુક અધિકારોનું રક્ષણ” શીર્ષક હેઠળ ભારતના નાગરિકોના જે મૂળભૂત અધિકારો સ્વીકારવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે, તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર છે. ઉપરાંત તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો અધિકાર તમામ નાગરિકોને છે. જે રીતે વિપક્ષો દ્વારા આયોજિત રેલીઓ સામે ગુજરાતની ભાજપ સરકારની પોલીસ જે રીતે કાર્યવાહી કરે છે એ સંપૂર્ણપણે ભારતના બંધારેલા સ્વીકારેલા નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. પોલીસ વિપક્ષોને સંમેલન કે રેલી ન કરવા અનેક બહાના બતાવી પરમિશન નથી આપતી એ પણ બંધારણના નિયમોની વિરુધ્ધ જ છે.
મહાત્મા ગાંધીએ જેમને પોતાના વિચાર ગુરુ સમજેલા તે લીયો ટોલ્સ્ટોયે કહેલું કે “રાજ્ય લોકો પર બળને આધારે જબરજસ્તી કરે છે એટલે હિંસા એ રાજ્યના અસ્તિત્વનો પાયો છે.” મોદી સરકારે ટોલ્સ્ટોય ના આ કથનને અક્ષરશ: આત્મસાત કર્યું છે. રાજ્યનો વિરોધ કરવાનો અધિકાર લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. લોકોને જ્યારે એમ લાગે કે તેમણે ચૂંટેલી વ્યક્તિઓ લોકોના લાભ માટે કામ કરતી નથી. ત્યારે તેમને વિરોધ કરવાનો અધિકાર છે. અને એનું જ નામ લોકશાહી, પણ મોદી સરકાર લોકશાહી સિદ્ધાંતોમાં માનતી નથી. એ તો છેલ્લા ૧૨ વર્ષના શાસન ઉપરથી સાબિત થાય છે. જેમાં અસંખ્ય ઘટનાઓ છે કે મોદી સરકારે પોલીસની લોખંડી એડીઓ અને લાઠી ગોળી ના જોરે આંદોલનો કચડી નાંખ્યા હોય જેનું કિસાન આંદોલન એક પુરાવા રૂપ છે.





