
૧ જૂલાઈથી સરકાર પ્રતિબંધ હટાવશે મોટી રાહત: પેટ્રોલ પંપ પર ફરીથી ટાંકી ફુલ કરાવી શકશો હવે તેલની સપ્લાય સુધરતા અને સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સરકારે પોતાના કડક ર્નિણયો પાછા લીધા છે પશ્ચિમ એશિયાના તણાવ અને આંતરરાષ્ટ્રીય તેલ બજારોમાં મચેલા ઘમાસાણ વચ્ચે ગાડીઓના માલિક અને ટ્રાન્સપોર્ટરો માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. સરકારે પેટ્રોલ પંપો અને કોમર્શિયલ ખરીદદારો માટે લગાવવામાં આવેલા રાશનિંગને ૧ જુલાઈથી સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરી છે. પાછલા મહિને જ્યારે ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ થયો હતો, ત્યારે દેશમાં ઈંધણની જમાખોરી અને સમસ્યાને રોકવા માટે સરકારે ઈમરજન્સી નિયમ લાગુ કર્યો હતો. સરકારે રિટેલ પંપ્સ પર દરરોજ ૨૦૦ લિટરથી વધારે ડીઝલની ખરીદી પર રોક લગાવી હતી.
પણ હવે તેલની સપ્લાય સુધરતા અને સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સરકારે પોતાના કડક ર્નિણયો પાછા લીધા છે. આ પ્રતિબંધો હટાવવાનો સીધો અર્થ એ થાય છે કે હવે ટ્રક, બસ અને ભારે ઉદ્યોગો સાથે જાેડાયેલા કોમર્શિયલ ખરીદદારો કોઈ પણ અડચણ વિના પેટ્રોલ પંપ પરથી જેટલું જાેઈએ તેટલું ઈંધણ ખરીદી શકશે. સરકારના આ ર્નિણયથી ન ફક્ત ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછો આવશે, પણ બજારમાં જરૂરી સામાનની અવરજવર પણ ઝડપી થશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને પણ મોંઘવારીના મોર્ચે થોડી આશા જાગશે. હકીકતમાં જાેઈએ તો, જૂન મહિનામાં આ પ્રતિબંધો લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ રિટેલ અને જથ્થાબંધ ઈંધણના ભાવની વચ્ચે એક બહુ મોટું અંતર હતું. દેશના કુલ ઈંધણ બજારમાં એકલા ડીઝલની ભાગીદારી લગભગ ૪૦ ટકા છે. સંકટ દરમ્યાન ઔદ્યોગિક અને મોટા કોમર્શિયલ યુઝર્સને આપવામાં આવતા જથ્થાબંધ ડીઝલની કિંમત, સામાન્ય પેટ્રોલ પંપ પર મળતા રિટેલ ડીઝલથી લગભગ ૪૦ રૂપિયા પ્રતિ લિટર મોંઘું હતું. આ ભારે અંતરનો ફાયદો ઉઠાવવા માટે પણ મોટી ટ્રક કંપનીઓ અને ઉદ્યોગો જથ્થાબંધ ડીઝલ ખરીદવાનું બંધ કરી દીધું અને પોતાના વાહનોને ડાયરેક્ટ સામાન્ય પેટ્રોલ પંપની લાઈનોમાં ઊભા રાખવાના શરુ કરી દીધા.
આમ અચાનક વધેલી ભારે માગથી સૌથી મોટો ઝટકો દેશની સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને લાગ્યો. આ કંપનીઓ મળી દેશના ૧ લાખથી વધારે પેટ્રોલ પંપમાંથી લગભગ ૯૦ ટકાનું સંચાલન કરે છે. કેમ કે રિટેલ પંપ્સ પર ડીઝલ સસ્તું મળી રહ્યું હતું તો ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ડીઝલ અહીંથી ભરાવવાનું શરુ કરી દીધું.
મોટી માત્રામાં ડીઝલ ભરાવવાના કારણે પ્રતિ લિટરના હિસાબથી કંપનીઓની ખોટ વધી ગઈ કેમ કે તેમની પાસે ક્રૂડ ઓઇલ મોંઘું આવી રહ્યું હતું. કંપનીઓ જેમ તેમ કરી ખોટ સહન કરી સામાન્ય લોકોને વધાર્યા વિનાના ભાવે પેટ્રોલ-ડીઝલ આપી રહી હતી, પણ મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓએ આ વસ્તુઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. સરકારના ધ્યાનમાં આ વાત આવતા તરત પ્રતિબંધ લગાવી દીધો. જાે કે હવે સ્થિતિ સુધરી રહી છે તેથી આ રોક હટાવી દીધી છે.





