ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તકલા વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારે છે. સદીઓ જૂની આશરે ૭૦૦ વર્ષ જુની ધાર્મિક અને કલાત્મક ધરોહર સમાન “માતાની પછેડી” કલા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત Geographical Indication (GI) ટેગનું બહુમાન મળેલું છે. આ પવિત્ર હસ્તકલાને તેના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત રાખી નવી ઊંચાઈઓ પર લઈ જવાનું પ્રશંસનીય કાર્ય અમદાવાદના યુવા કલાકાર શ્રી દંતાણી અજયકુમાર માનસિંહભાઈ કરી રહ્યા છે.
પરંપરા અને આધુનિકતાનો સમન્વય:
લાંબા સમયથી આ કલા સાથે જોડાયેલા દંતાણી અજયકુમાર માત્ર વારસાને સાચવી નથી રહ્યા, પરંતુ પોતાની અનન્ય કોઠાસૂઝથી તેને આજની પેઢી સમક્ષ આકર્ષક રીતે રજૂ કરી રહ્યા છે. તેમની આ અદ્ભુત કલાત્મકતા, કુદરતી રંગોનો સચોટ ઉપયોગ અને સમર્પણ ભાવને માન્યતા આપતા સરકાર દ્વારા તેમને સત્તાવાર ‘આર્ટિસન કાર્ડ’ (Artisan Card) એનાયત કરવામાં આવ્યું છે.
અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ મેડમને ‘સત્યમેવ જયતે’ પેઇન્ટિંગની ભેટ:
આ કલાને વધુ વ્યાપક બનાવવાના ભાગરૂપે તાજેતરમાં અજયકુમાર દંતાણીએ અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ મેડમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ‘માતાની પછેડી’ આર્ટ ફોર્મમાં ૧૦૦% શુદ્ધ કુદરતી રંગો (Natural Colors) નો ઉપયોગ કરીને વિશેષ રીતે તૈયાર કરેલું અદભુત “સત્યમેવ જયતે” પેઇન્ટિંગ તેમને ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. આ અનોખી અને ભવ્ય કલાકૃતિ ડેપ્યુટી મેયરશ્રીને ખૂબ જ પસંદ આવી હતી. તેમણે આ કલાની ભારોભાર પ્રશંસા કરી દંતાણી અજયકુમારની મહેનતને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
સરકારી અધિકારીઓને કલ્ચરલ ગિફ્ટ આપી કલાનો વ્યાપ વધાર્યો:
અજયકુમાર દંતાણી માત્ર ચિત્રકામ પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ આ પરંપરાને વહીવટી સ્તરે પણ લોકપ્રિય બનાવી રહ્યા છે. તેઓ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના ઉચ્ચ સરકારી અધિકારીઓને ‘માતાની પછેડી’ આર્ટ ફોર્મમાં યુનિક અને ખાસ રીતે વિકસાવેલા પેઇન્ટિંગ્સ ‘કલ્ચરલ ગિફ્ટ’ (સાંસ્કૃતિક ભેટ) તરીકે અર્પણ કરી રહ્યા છે. તેમના આ નવતર પ્રયોગ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શાસન અને પ્રશાસનના વડાઓ સુધી આ ભવ્ય કલા પહોંચે, જેથી સરકારી સ્તરેથી પણ આ વિરાસતને વધુ મજબૂત પીઠબળ અને વૈશ્વિક ફલક પર નવી ઓળખ મળી શકે.
કલાના પ્રચાર-પ્રસાર માટે ભગીરથ પ્રયાસો:
માતાની પછેડી એ માત્ર ચિત્રકામ નથી, પણ ભક્તિ અને કપડા પર કંડારાયેલો ઇતિહાસ છે. આ અમૂલ્ય વારસો ભવિષ્યમાં લુપ્ત ન થાય તે માટે દંતાણી અજયકુમાર સતત સક્રિય છે. તેઓ નવી પેઢીના ઉત્સાહી લોકોને આ કલા શીખવીને કલાનો વ્યાપ વધારવાનું ઉત્તમ સામાજિક કાર્ય કરી રહ્યા છે.
કલાકારનો સંદેશ:
કલા પ્રત્યેના પોતાના આકર્ષણ વિશે વાત કરતા યુવા આર્ટિસ્ટ દંતાણી અજયકુમાર જણાવે છે કે, “માતાની પછેડી આપણી સંસ્કૃતિની ઓળખ છે. આ કલાને આગળ વધારવી અને તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવી એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે. જો સરકાર અને મીડિયાનો ડિજિટલ સપોર્ટ મળે, તો અમારા જેવા સ્થાનિક હસ્તકલા કારીગરો વૈશ્વિક બજારમાં ભારતનું નામ રોશન કરી શકે છે.”
આજના ડિજિટલ યુગમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે પોતાની માટીની કલાને વળગી રહીને ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહેલા અજયકુમાર દંતાણીની આ સફર ખરેખર પ્રેરણાદાયી અને સરાહનીય છે.








