
વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે ઉત્તર પ્રદેશનાના માફિયાઓ પર ફિલ્મો બનતી હતી પરંતુ હવે યુપીની કાનૂન વ્યવસ્થાનું દેશભરમાં ઉદાહરણ આપવામાં આવે છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના હરદોઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગંગા એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ધાટન કર્યા બાદ એક સભાને સંબોધતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૭માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી માટે લક્ષ્ય પણ નક્કી કરી દીધું.
પીએમ મોદીએ કહ્યું કે, આપણું ઉત્તર પ્રદેશ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ છે, પરંતુ પાછલી સરકારોએ પોતાની કરતૂતોને કારણે યુપીની ઓળખ અપરાધ અને જંગલરાજની બની ગઈ હતી.
યુપીના માફિયાઓ પર ફિલ્મો બનતી હતી. પરંતુ હવે યુપીની કાનૂન વ્યવસ્થાનું દેશભરમાં ઉદાહરણ આપવામાં આવે છે.
નારી શક્તિ વંદન સંશોધન બિલનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “સંસાધનોની આડેધડ વહેંચણી કરનાર સપાના હાથમાંથી સત્તા ચાલી ગઈ છે, તેથી તેમને ઉત્તર પ્રદેશની આ પ્રગતિ જરાય પસંદ નથી આવતી. તેઓ એક વાર ફરી યુપીને જૂના સમયમાં ધકેલવા માંગે છે અને રાજ્યને જાતિમાં વહેંચવા માંગે છે. સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે. તેથી જ તેણે સંસદમાં મહિલાઓના અધિકારના બિલને પાસ થવા દીધું ન હતું.”
પીએમ મોદીએ કહ્યું કે, તાજેતરમાં જ દેશના લોકોએ એક વાર ફરી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો અસલી ચહેરો જાેયો છે. કેન્દ્ર સરકાર સંસદમાં નારી શક્તિ વંદન સંશોધન બિલ લાવી. જાે આ બિલ પાસ થઈ ગયું હોત તો ૨૦૨૯ની ચૂંટણીઓથી મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં અનામત મળેત. મોટી સંખ્યામાં અમારી માતાઓ અને બહેનો સંસદ અને વિધાનસભામાં પહોંચી શકેત, તે પણ અન્ય કોઈ વર્ગની સીટો ઘટાડ્યા વગર. પરંતુ સપાએ આ સુધારાની વિરુદ્ધ મત આપ્યો.”
તેમણે કહ્યું કે, “આ બિલથી રાજ્યોની સીટો પણ વધેત. અમે સ્પષ્ટ કહ્યું હતું કે તમામ રાજ્યોની સીટો એકસરખા પ્રમાણમાં વધશે. પરંતુ યુપીને ગાળો આપીને રાજકારણ કરનારી ડીએમકે જેવી પાર્ટીઓને વાંધો હતો કે યુપીની સીટો કેમ વધશે? સમાજવાદી પાર્ટી પણ સંસદમાં તેમના સાથે સૂરમાં સૂર મિલાવી રહી હતી. આ સપાવાળા તમારા વોટ લઈને સંસદમાં જાય છે અને સંસદમાં યુપીના લોકોને ગાળો આપનારાઓની સાથે ઊભા રહી જાય છે. તેથી જ યુપીના લોકો કહે છે કે સપાવાળા ક્યારેય ન સુધરે. તેઓ મહિલા વિરોધી રાજકારણ જ કરે છે. સમાજવાદી પાર્ટી કુટુંબવાદ અને જાતિવાદથી ઉપર ઊઠી શકતી નથી. યુપીએ સમાજવાદી પાર્ટી અને તેના સાથીઓથી સાવધાન રહેવું પડશે.”
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગંગા એક્સપ્રેસવે, દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે, રેપિડ રેલ જેવા મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સામે એક મોટું લક્ષ્ય નક્કી કરી દીધું છે. બીજી તરફ, નારી શક્તિ વંદન સંશોધન બિલ પર પણ ભાજપ વિરોધીઓને સતત ઘેરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી માટે એક મોટું લક્ષ્ય સેટ કરી દીધું છે, જ્યાં સુધી પહોંચવું સપા અને કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનું છે.





