
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશમાં જ્યારે પણ લોકસભા કે વિધાનસભા માટે ચૂંટણીઓ યોજાય છે ત્યારે પૂરતી સંખ્યામાં મહિલાઓને ટિકિટ આપવાની નિષ્ઠાવાન ઈચ્છાશક્તિનો અભાવ હોય છે તેનું કારણ શું છે? ઉલ્લેખનિય છે કે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવેલી મહિલાઓની સંખ્યા અને વિજેતાઓની સંખ્યા પોતે જ મહિલાઓની ભાગીદારી અંગે રાજકીય પક્ષોની ખોરી દાનત પર પ્રશ્ન ઉઠાવે છે.
સ્પષ્ટપણે લગભગ તમામ પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં ઓછો ઉત્સાહ દર્શાવ્યો. જોકે સંસદમાં સીમાંકન બિલ પસાર કરવામાં તાજેતરમાં નિષ્ફળતાના સંદર્ભમાં મહિલા અનામતનો મુદ્દો પણ ચૂંટણીનો મુદ્દો બની ગયો અને ભાજપે આ મુદ્દા પર વિરોધી પક્ષો પર આરોપોનો મારો કર્યો. પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિલાઓને ભાગીદારી વધારવાના તેમના દાવાઓ છતાં ભાજપ સહિત તમામ પક્ષોમાં ટિકિટ આપવા અંગે ઈચ્છાશક્તિ નો અભાવ દેખાય છે. માત્ર ઔપચારિકતા ખાતર મહિલાને ટિકિટ આપવી એ તેમની જાહેરમાં વ્યક્ત કરાતી પ્રમાણિકતાને પ્રતિબિંબિત કરતું નથી.
હાલ કે કેન્દ્રમાં અને મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર છે અને તે પોતાને મહિલા અનામત બિલનું સૌથી મોટુ હામી ગણાવે છે ત્યારે તે પોતે તેનો અમલ વ્યવહારમાં કેમ કરતો નથી? જો તેણે હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં વધારે નહીં તો કમસેકમ ૩૩ ટકા ટિકિટો મહિલાઓને આપી હોત તો સમગ્ર દેશને અને ખાસ કરીને મહિલાઓને તો સો ટકા ખાતરી થાત કે ભાજપ ખરેખર તેમને પ્રતિનિધિત્વ આપવા માંગે છે. પરંતુ કમનસીબે આવું થયું નથી એ મોટી શરમજનક બાબત છે.





