
રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રામ મંદિરના ચઢાવામાં થયેલી ઉચાપત મામલે એસઆઈટી (SIT) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલ મુજબ, ચઢાવાની ગણતરી અને તેના મેનેજમેન્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વચ્ચે બનેલી એસઓપી (SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી.
વિશેષ તપાસ ટીમ (SIT)ના પ્રારંભિક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫માં ટ્રસ્ટ અને એસબીઆઈના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં દાન પાત્રની સુરક્ષા, રોકડની ગણતરી અને રેકોર્ડ રાખવા માટે એક વિસ્તૃત એસઓપી (SOP) તૈયાર કરવામાં આવી હતી. આ નિયમો પર એસબીઆઈ તરફથી ગોવિંદ મિશ્ર અને ટ્રસ્ટ તરફથી અનિલ મિશ્રાએ હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે, ચઢાવાની ગણતરી વખતે આ નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. રિપોર્ટમાં આને ગંભીર અને કથિત રીતે જાણીજાેઈને કરાયેલી બેદરકારી તરીકે નોંધવામાં આવ્યું છે.
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ (જે ડ્રાઈવર હોવાનું કહેવાય છે) પાસે કોઈ પણ સત્તાવાર આદેશ વિના દાન પાત્રની ચાવીઓ રહેતી હતી. ચઢાવાની રોકડ રકમને કાઉન્ટિંગ રૂમ સુધી લઈ જવામાં અને તેની સુરક્ષા વ્યવસ્થામાં અનેક મોટી ખામીઓ જાેવા મળી છે.
આ આખા કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જાે કે ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ રાજીનામાને સીધા એસઆઈટી રિપોર્ટની કાર્યવાહી સાથે જાેડીને જાેવામાં આવી રહ્યા છે. અયોધ્યા પોલીસે એસઆઈટીની ભલામણના આધારે ગુનો નોંધીને એફઆઈઆર (FIR)માં નામજાેગ તમામ ૮ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ, રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ આ તમામ લોકો મંદિરના ચઢાવાની રોકડ અને કિંમતી સામાનની ગણતરી તેમજ મેનેજમેન્ટની કામગીરી સાથે જાેડાયેલા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, એસઆઈટીનો રિપોર્ટ મળતાની સાથે જ એક્શન શરૂ કરી દેવામાં આવ્યા છે. જનતાની આસ્થા સાથે ખીલવાડ કરનારા ગમે તેવા ચમરબંધીને પણ બક્ષવામાં નહીં આવે. સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.





