
દેશની ભાવિ પેઢી ઈતિહાસ વિશે જાણશે NCERT ધો-૯ના પાઠ્યપુસ્તકમાં ઈમરજન્સીના પ્રકરણનો સમાવેશ કર્યાે ૨૫ જૂન, ૧૯૭૫માં સરકાર દ્વારા આંતરીક અરાજકતાનું કારણ આપી દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી એનસીઈઆરટીએ ધોરણ-૯ના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના એક પ્રકરણનો સમાવેશ કર્યાે છે. જેમાં કટોકટીને ભારતીય લોકશાહીના સૌથી મોટાં પડકારો પૈકીનો એક ગણાવાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પગલાંને આવકારતાં જણાવ્યું હતું કે, તેનાથી દેશની ભાવિ પેઢીને ભૂતકાળના કાળા કરતૂતો વિશે જાણકારી મળશે.અગાઉ ૨૦૦૭માં યુપીએના કાર્યકાળ દરમિયાન આ પ્રકરણને ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં સમાવાયો હતો. આ વખતે પ્રથમ વખત ધોરણ-૯ના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરાયો છે. સમાજ વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ’માં સમાવેશ આ પ્રકરણના એક ફકરાં અનુસાર, ભારતીય લોકશાહી સામેના સૌથી મોટા પડકારો પૈકીનો એક ૧૯૭૫-૭૭માં જાેવા મળ્યો હતો જે વખતે દેશમાં કટોકટી લદાઈ હતી. ૧૯૭૦ના દાયકાના પ્રારંભિક સમયમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર પ્રત્યે નાગરિકોનો અસંતોષ સતત વધી રહ્યો હતો. વધતી બેરોજગારી, મોંઘવારી તથા ગેરવહીવટને કારણે ઠેરઠેર વિરોધ થઈ રહ્યો હતો. ૨૫ જૂન, ૧૯૭૫માં સરકાર દ્વારા આંતરીક અરાજકતાનું કારણ આપી દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી. આ સમય દરમિયાન દેશના નાગરિકોના મહત્વના મૂળભૂત અધિકારો રદ કરી દેવાયા હતાં. અખબારો પર નિયંત્રણો લાદી અસંખ્ય રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દેવાયાં હતાં. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, એનસીઈઆરટીએ યોગ્ય ર્નિણય લીધો છે. દેશની ભાવિ પેઢી ભૂતકાળના આ કાળા ઈતિહાસ વિશે જાણશે અને સમજશે તો ભવિષ્યમાં આવી સ્થિતિ ઉભી નહીં થાય. ભાજપના એક પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, સત્તાની લાલચને કારણે ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી હતી.





