
શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી શ્રીલંકામાં ૧૭૩ ભારતીયોની ધરપકડ, મોટા નેટવર્કની આશંકા મોટાભાગના લોકો ટૂરિસ્ટ વિઝા અથવા ટૂંકા ગાળાના વિઝા પર આવ્યા હતા, આ પહેલા ચીનના ૨૫૦ ટૂરિસ્ટોની ધરપકડ કરવામાં આવી હતી
શ્રીલંકામાં સાયબર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલા લગભગ ૨૦૦ વિદેશીઓમાં ૧૭૩ ભારતીયો સામેલ છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસને શંકા છે કે આ લોકો એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકો ૨૫થી ૩૫ વર્ષની વયના છે. આ લોકોના ટૂરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. તેથી ત્યાં રહીને રોજગાર મેળવવા, ટેક્સ ફ્રી આયાતી સિગારેટ રાખવા અને સાયબર ક્રાઈમ કાયદા હેઠળ આવતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ગુનો નોંધવામાં આવશે.
સોમવાર મોડી રાત્રે દક્ષિણના પ્રવાસન સ્થળો ગાલે, હિક્કાડુવા અને મિડિગામામાં ૧૭૩ ભારતીયો અને ૨૫ નેપાળી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ૧૯૮ વિદેશીઓના ગ્રુપની ધરપકડ કરી છે. આ ધરપકડ ગયા અઠવાડિયે આ જ ગુના માટે ૨૫૦ ચીની નાગરિકોની ધરપકડ બાદ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, આવા સમૂહો મોટાભાગે મોટા આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાગ હોય છે. તેઓ ડિજિટલ પ્લેટફોર્મ અને કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીને વિદેશમાં રહેલા લોકોને નિશાન બનાવે છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે, દેશની સારી કનેક્ટિવિટી અને સરળ વિઝા સિસ્ટમે કદાચ આવી પ્રવૃત્તિઓ માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરી છે. અનેક શંકાસ્પદો પર એવો આરોપ છે કે, તેઓ ટૂંકા ગાળાની પરમિટ લઈને દેશમાં દાખલ થયા હતા.





