
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
શહેરમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ત્યારે એકાદ માસ પછી ચોમાસાની સીઝન શરૂ થઈ જશે. એ સમયે આપણે વાત કરવી છે. શહેરમાં જેટલી ખાનગી કે સરકારી ઈમારતો આવેલી છે. અને જે ભયજનક દશામાં છે એવી મિલકતોના માલિકોને માત્ર નોટિસો પાઠવી બેસી રહેવાથી કંઈ દહાડો વળશે નહીં.
એવા મકાન માલિકો હોય કે ટ્રસ્ટીઓ હોય એમની ઉપર કડક કાર્યવાહી કરીને પ્રજાના જાનનું જોખમ ઓછું કરવું જરૂરી છે. હમણાં આશરે બે માસ પહેલા કરવા રોડની એક જર્જરિત મિલકતનો ત્રીજો માળ એકાએક ધડાકાભેર વહેલી સવારે 3:45 થી 4:00 વાગ્યા દરમ્યાન તૂટી પડયો હતો. એ તો સદનસીબી કે કોઈ હતું નહીં એટલે કોઈ મોટી દુર્ઘટના બની નહીં. આ પછી S.M.C એ નોટિસ પાઠવ્યા પછી પણ ટ્રસ્ટીઓના પેટનું પાણી નહીં હાલતા આખરે S.M.C એ જર્જરિત મકાન તોડી પાડયુ હતું.
હવે આપણે વાત કરીએ રાજ્યમાં ચોમાસુ શરૂ થાય એ પહેલા સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરી વિકાસ ખાતા દ્વારા શહેરની તમામ સરકારી કે ખાનગી માલિકીની જર્જરિત મિલકતોનો સંપૂર્ણપણે સર્વે કરાવીને ચોમાસાની શરૂઆત પહેલા આવી જર્જરિત મિલકતો ઉતાવડાવી જોઈએ. જેથી આવી મિલકતોની આજુબાજુની મિલકતોનું જોખમ ઓછું થાય અને ચોમાસામાં કોઈનું જાન-માલનું નુકસાન ના થાય.
એટલું જ નહીં આ કામ ઝોન વાઇઝ કરાવીને જર્જરિત મકાનો,જર્જરિત દીવાલો,જર્જરિત ફ્લેટો સહિત તમામ જોખમ કારક મિલકતો નો સર્વે કરાવી એવી મિલકતોની યાદી બનાવી એમાં રહેનારાઓને ચેતવણી આપવા સાથે વહેલી તકે એ મિલકતો ખાલી કરાવવી જરૂરી છે. સાથે સાથે કડક સૂચના આપી એવા મિલકતદારોને ચોમાસાની શરૂઆતમાં જ સ્વૈચ્છિક રીતે જર્જરિત મિલકત ઉતારી લેવાની ચેતવણી પણ આપવી જરૂરી છે. ભૂતકાળમાં પણ ચોમાસા દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં જૂની જર્જરિત મિલકતોનો કેટલોક ભાગ તૂટી પડયા ના સમાચારો અખબારોમાં રોજે રોજ ચમકી રહ્યા હતા. ત્યારે પ્રજાના હિત ખાતર અખબારી ધર્મ બજાવીને સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર ની સાથે સાથે શહેરી વિકાસ ખાતા ના ઝોન ચીફોનું પણ આ બાબતે ધ્યાન દોરી ભયજનક મિલકતોને વહેલી તકે ઉતારાવી લે એ જ અપીલ કરે છે.
હવે જોવાનું એ છે કે સુરત મહાનગરપાલિકામાં નવા વરાનારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ આવી ગંભીર બાબતો એ કેવા ગંભીર બનીને પ્રજાના હિતને કેટલું પ્રાધાન્ય આપે છે એ જ જોવું રહ્યું.





