પ્રાચીન સમયમાં આ પ્રદેશ ‘ધર્મપુરી’ તરીકે ઓળખાતો.જલાલાબાદ હવે પરશુરામ પુરી તરીકે ઓળખાશે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઐતિહાસિક ભૂલો સુધારી સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે.ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ફરી એકવાર ઐતિહાસિક ભૂલો સુધારીને કરીને સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે. લખનૌમાં ૫ કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં શાહજહાંપુર જિલ્લાના ઐતિહાસિક તાલુકા ‘જલાલાબાદ‘નું નામ બદલીને ‘પરશુરામ પુરી’ રાખવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવાઈ છે. વર્ષો જૂની આ માંગણી પૂરી થતાં જ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે.
ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે આ પ્રદેશનું પ્રાચીન નામ ‘ધર્મપુરી‘ હતું. જાે કે, મુઘલ શાસન દરમિયાન સમ્રાટ જલાલુદ્દીન મુહમ્મદ અકબરના નામ પરથી તેના વહીવટી વડાઓએ આ સ્થળનું નામ બદલીને ‘જલાલાબાદ‘ કરી નાખ્યું હતું, જેનો અર્થ ‘જલાલ દ્વારા વસાવેલું શહેર‘ થાય છે. દિલ્હીથી બંગાળ અને અવધને જાેડતા મુખ્ય માર્ગ પર હોવાને કારણે તે મુઘલોનું સૈન્ય મથક પણ બન્યું હતું.
‘ભગવાન પરશુરામ જન્મભૂમિ ટ્રસ્ટ’ સહિત અનેક સંગઠનો લાંબા સમયથી આ ગુલામીના પ્રતીકને હટાવવા માટે લડત ચલાવી રહ્યા હતા. ગયા વર્ષે જિલ્લા મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા બાદ, હવે યોગી કેબિનેટે આ ઐતિહાસિક ભૂલને સુધારી દીધી છે.
પૌરાણિક માન્યતા અનુસાર, આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને તેમણે અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી. ભગવાન પરશુરામનું મૂળ નામ ‘રામ‘ હતું. શિવજી પાસેથી પરશુ એટલે કે કુહાડી મળ્યા પછી તેઓ પરશુરામ કહેવાયા. તેમના આ જન્મસ્થાન પાસે એક તળાવ આવેલું છે, જેનું નામ ‘રામતાલ‘ છે. આ પવિત્ર તળાવના કિનારે જ ભગવાન પરશુરામ અને તેમના માતા રેણુકાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ સમગ્ર પરિસર ‘પરશુરામ ધામ’ તરીકે ઓળખાય છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘પરશુરામ ધામ’ને સત્તાવાર રીતે પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે અને તેના બ્યુટિફિકેશન માટે અંદાજે રૂપિયા ૨૦ કરોડનું બજેટ ફાળવીને કામ શરૂ કરી દેવાયું છે.
આ બેઠકમાં માત્ર નગરના નામકરણને જ નહીં, પરંતુ રાજ્યના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે કુલ ૨૭ જેટલા પ્રસ્તાવોને મંજૂરી અપાઈ હતી.





