
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં હાલ ગુજરાત હોય, રાજસ્થાન હોય કે દિલ્હી યુપી, મધ્યપ્રદેશ, બિહાર વિગેરે હોય આ બધા મોટાભાગના રાજયોમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે. કપાતા જંગલો અને વધતા શહેરીકરણ (કોંક્રિટના જંગલો)થી અગાઉ કરતાં તાપમાન ચાર-પાંચ ડિગ્રી વધુ રહેવા લાગ્યું છે. જેના કારણે પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારો સિવાય મેદાની વિસ્તારોમાં સર્વત્ર અગનગોળા વરસી રહ્યા છે.
ત્યારે સ્વાભાવિક છે કે લોકો આનો સામનો કરવા માટે A.C, કુલર જેવા ઠંડક આપતા ઉપકરણોનો બેફામ ઉપયોગ કરવા લાગ્યા છે અને તેમાંથી નીકળતા હાનિકારક વાયુઓ કે ગરમીથી પર્યાવરણને નુકસાનની સાથે સાથે વાતાવરણ વધુ ગરમ થઇ રહ્યું છે.
અને એના કારણે જમીન પર તાપમાન વધી રહ્યું છે. એટલે કે જે ઉપકણોનો ઘર, વાહનો કે ઓફિસને ઠંડા રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. એજ ઉપકરણો વાસ્તવમાં તાપમાન વધારવાનું કામ કરી રહ્યા છે અને તેના પર ખાસ ધ્યાન અપાઈ જ નથી રહ્યું. આ કલાકો દરમિયાન, વીજળીની માંગને પહોંચી વળવા માટે કોલસા હાઈડ્રોપાવર, પરમાણુ ઉર્જા અને પવન ઊર્જા જેવા પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતા વધે છે.
જોકે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનો એક અહેવાલ ખાતરી આપે છે કે કોલસા પુરવઠાની સ્થિતિ ગયા વર્ષના સમાન સમયગાળા કરતા સારી છે. તેમ છતાં ગરમી જે રીતે અગાઉના તમામ રેકોર્ડ તોડી રહી છે તે સ્વાભાવિક રીતે આશંકાઓને જન્મ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આથી ઘણા શહેરો અને પ્રદેશોમાં વધતી માંગના દબાણનો સામનો કરવા માટે ખખડધજ વીજ માળખાકીય સુવિધાઓ અયોગ્ય અને અપૂરતી લાગે છે. વધતી વસ્તી અને વિકાસની સાથે ઊર્જાની માંગમાં વધારો થવો સ્વાભાવિક છે. પરંતુ તેને ફક્ત ગરમીની તીવ્રતાના સૂચક તરીકે જોવાને બદલે, આપણે તેને ભવિષ્ય માટે તૈયારી કરવાની તક તરીકે ઝડપી લેવી જોઈએ તો જ આપણે ઉર્જા-સુરક્ષિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી શકીશું. આખરે તો વીજળી બચાવો એ જ એક માત્ર વિકલ્પ છે.





