(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
આજના ભારતનો સૌથી મોટો પડકાર માત્ર બેરોજગારી જ નથી. વિશ્વાસનો અભાવ પણ એટલો જ ગંભીર છે. પરીક્ષાઓમાં પેપરલીક, ભરતી પ્રક્રિયામાં વિલંભ, સરકારી નોકરીઓમાં અનિશ્ચિતતા અને ખાનગી ક્ષેત્રમાં મર્યાદિત તકોના કારણે લાખો યુવાનો ભવિષ્ય અંગે અસુરક્ષિતતા અનુભવે છે. આવા સમયે સરકારનું પ્રથમ કર્તવ્ય વિશ્વાસ જગાવવાનું હોવું જોઈએ, ભય પેદા કરવાનું નહીં.
સોનમ વાંગચુક જેવા સામાજિક કાર્યકરો હોય કે વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમની દરેક માંગણી સાથે સહમત થવું સરકાર માટે જરૂરી નથી. પરંતુ તેમની વાત સાંભળવી અને સંવાદ ધ્વારા ઉકેલ શોધવો લોકશાહીનું મૂળ તત્વ છે. અસહમતિને દેશદ્રોહ અથવા અસ્થિરતા સાથે જોડવાની વૃત્તિ લાંબા ગાળે લોકશાહીને નબળી બનાવે છે. દિલ્હીના જંતર-મંતર ખાતે બનેલી આ ઘટનામાંથી સૌથી મોટો પાઠ એ છે કે સરકાર અને સમાજ વચ્ચે સંવાદના દરવાજા હંમેશા ખુલ્લા રહેવા જોઈએ. વિરોધની દુશ્મની તરીકે નહીં.પરંતુ સુધારાની તક તરીકે જોવામાં આવશે ત્યારે જ લોકશાહી મજબૂત બનશે. ટીયરગેસ અને લાઠી થોડા સમય માટે ભીડને વિખેરી શકે છે. પરંતુ વિશ્વાસનું નિર્માણ કયારેય કરી શકતા નથી. વિશ્વાસ માત્ર પારદર્શિતા, જવાબદારી, સંવેદનશીલતા અને સતત સંવાદથી જ જીતાય છે.
આમ ભારત જો ખરેખર વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન સાકાર કરવા માંગે છે, તો તેને પોતાના યુવાનોને સાંભળવાની તેમની વાજબી ચિંતાઓની સન્માન કરવાની અને નીતિગત સુધારાઓ ધ્વારા વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં આગળ વધવું પડશે. કારણકે લોકશાહીમાં સરકારની સૌથી મોટી જીત વિરોધને હરાવવામાં નહીં, પરંતુ વિરોધીઓનો વિશ્વાસ જીતવામાં છે.





