
પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે, જે ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે, એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો વિવિધ વિષયો / પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમ કે- કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે. ‘પદ્મ વિભૂષણ’ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે; ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને ‘પદ્મ શ્રી’ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 5 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જેઓની વિગત નીચે પ્રમાણે છેઃ
શ્રી રતીલાલ બોરીસાગર
શ્રી રતિલાલ મોહનલાલ બોરીસાગર એ હાસ્યરસ અને કટાક્ષ લેખન માટે જાણીતા પ્રખ્યાત ગુજરાતી લેખક છે.
31 ઓગસ્ટ, 1938 ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા નામના નાના નગરમાં જન્મેલા શ્રી બોરીસાગરની શૈક્ષણિક લાયકાત એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.), પીએચ.ડી. (Ph.D.) છે. એક શિક્ષક તરીકે તેમણે 1957-1974 દરમિયાન પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ શિક્ષણ આપ્યું હતું. ત્યારબાદ તેઓ 1974 માં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં શૈક્ષણિક સચિવ તરીકે જોડાયા હતા. તેઓ આ જ સંસ્થામાંથી 1998માં નાયબ નિયામક (શૈક્ષણિક) તરીકે નિવૃત્ત થયા હતા.
શ્રી બોરીસાગરે 1955ની આસપાસ લખવાનું શરૂ કર્યું હતું. તેમણે શરૂઆતમાં ટૂંકી વાર્તાઓ લખી હતી, પરંતુ પછીથી તેઓ હળવી શૈલીમાં નિબંધો લખવા તરફ વળ્યા હતા. તેમના પ્રથમ પુસ્તક ‘મરક મરક’ (1977) ના પ્રકાશન પછી, તેમણે માત્ર હળવી શૈલીમાં જ લખવાનું ચાલુ રાખ્યું હતું. તેમના હળવી શૈલીના પુસ્તકો છે: ‘મરક મરક’ (1977); ‘આનંદ લોક’ (1983); ‘સંભવામિ યુગે યુગે’ (1994); ‘એન્જોયગ્રાફી’ (1997); ‘તિલક કરતાં ત્રેસઠ થયા’ (2002); ‘જીએસટી-ક’ (2004); ‘ભજ આનંદમ્’ (2007); ‘અમથું અમથું કેમ ના હસીએ’ (2008); ‘ઓમ્ હાસ્યમ્’ (2010); ‘ભદ્રંભદ્ર અમર છે’ (2014); ‘મોજ-માં રહેવું રે’ (2017); ‘વિનોદ-ના વૈકુંઠ-માં’ (2017); ‘ત્રણ અઠવાડિયા અમેરિકા-માં’ (2019); ‘એક નહીં લેવાયેલો ઈન્ટરવ્યુ’ (2022). તેમણે સંસ્મરણોનું એક પુસ્તક ‘ક્યાં છે મારી નદી’ (2021) પણ લખ્યું છે. તેમણે સંકલનના અગિયાર પુસ્તકો પ્રકાશિત કર્યા છે (1998-2021). તેમણે ભાષાની દ્રષ્ટિએ બકોર પટેલની 33 જૂની હાસ્ય વાર્તાઓના પુસ્તકોનું સંપાદન કર્યું છે (2012-2013). હરિપ્રસાદ વ્યાસ દ્વારા લખાયેલી બકોર પટેલની વાર્તાઓ સિત્તેર વર્ષ પહેલાં પ્રકાશિત થઈ હતી, તેથી વર્તમાન સમયના યુવા વાચકો માટે તેને વાંચનક્ષમ બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરૂર હતી. આ પ્રકારનું કાર્ય ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ છે. તેમણે બાળકો માટે બે પુસ્તકો પ્રકાશિત કર્યા છે: ‘મહાભારત-ના-પ્રસંગો’ (2002); ‘શ્રેષ્ઠ બાળ રચનાઓ’ (2007). તેમણે બાળ વિકાસ માટે એક પુસ્તક ‘બાળ વંદના’ (1994) પ્રકાશિત કર્યું છે. તેમણે એક જીવનચરિત્રનું પુસ્તક ‘રમણભાઈ નીલકંઠ’ (2017) અને ટીકા પરનું એક પુસ્તક ‘ગુજરાતી પ્રતિકાવ્યો’ (2003) લખ્યું છે. તેમણે ગુજરાતી માસિક ‘અખંડ આનંદ’ (1999-2005) ના સંયુક્ત તંત્રી તરીકે કામ કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે પણ શ્રી બોરીસાગરનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે સાવરકુંડલા (અમરેલી-ગુજરાત) ખાતે સોળ વર્ષ – 1957-1974 સુધી પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ શિક્ષણ આપ્યું હતું. તેમણે 1974માં સાવરકુંડલા છોડ્યું હતું. 36 વર્ષ પછી, તેમના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓએ સાવરકુંડલામાં સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 2011માં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. વર્ષ 2015માં, આ ફાઉન્ડેશને સાવરકુંડલામાં ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર’ હોસ્પિટલની સ્થાપના કરી હતી. આ એક અનોખી હોસ્પિટલ છે. તે સંપૂર્ણપણે મફત હોસ્પિટલ છે. ઓપરેશન અને દવાઓ સહિત તમામ પ્રકારની સારવાર માટે અહીં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આજકાલ શ્રી બોરીસાગર ‘ગુજરાત વિશ્વકોશ’ અમદાવાદ સંસ્થા ખાતે માતૃભાષા – ગુજરાતીનો સાચો ઉપયોગ શીખવે છે. તેઓ વિદ્યાર્થીઓ અને અન્ય રસ ધરાવતા વ્યક્તિઓને ટૂંકી વાર્તા, કવિતાઓને સમજાવવા અને વિવેચનાત્મક મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરે છે.
શ્રી બોરીસાગરને ઘણા પુરસ્કારો અને સન્માનો મળ્યા છે જેમ કે ‘મરક મરક’ માટે જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક – (1976-1977) (ગુજરાતી સાહિત્ય પરિષદ); ‘મરક મરક’ માટે દ્વિતીય પુરસ્કાર, 1977; ‘આનંદ લોક’ માટે પ્રથમ પુરસ્કાર 1983; ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગુજરાત દ્વારા ‘એન્જોયગ્રાફી’ માટે પ્રથમ પુરસ્કાર 1997; ‘એન્જોયગ્રાફી’ માટે ઘનશ્યામદાસ સરાફ સર્વોત્તમ સાહિત્ય પુરસ્કાર (મારવાડી સંમેલન, મુંબઈ (1997); ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક – 2002 (ગુજરાત સાહિત્ય સભા); ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગુજરાત દ્વારા ‘તિલક કરતાં ત્રેસઠ થયા’ માટે પ્રથમ પુરસ્કાર 2002 અને ‘જીએસટી-ક’ માટે પ્રથમ પુરસ્કાર 2004; કવિ દલપતરામ હાસ્ય સાહિત્ય રત્ન સુવર્ણ ચંદ્રક-2011; સચ્ચિદાનંદ સન્માન-2011 (ગુજરાતી સાહિત્ય પરિષદ); ‘અનંતરાય રાવળ શિક્ષક પુરસ્કાર – 2015 (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ); ‘નર્મદ પારિતોષિક’-2017 (મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, મુંબઈ); ‘મોજમા રહેવું રે’ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2019 (2019).
શ્રી મીર હાજી કાસમ
શ્રી મીર હાજી કાસમ, જેઓ સામાન્ય રીતે ‘હાજી રમકડું’ તરીકે જાણીતા છે, તેઓ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના એક સુપ્રસિદ્ધ લોક સંગીતકાર છે, જેઓ ગુજરાતી પરંપરાગત સંગીત પ્રત્યેના તેમના આજીવન સમર્પણ અને ઢોલક પરની તેમની નિપુણતા માટે જાણીતા છે. છ દાયકાથી વધુ સમયની કલાત્મક સફર સાથે, તેઓ ભારતના લોક વારસાના સૌથી આદરણીય રક્ષકોમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. ભારત અને વિદેશમાં તેમના પ્રદર્શનોએ પ્રાદેશિક સંગીત પરંપરાઓને જીવંત, પ્રાસંગિક અને નવી પેઢીઓ માટે સુલભ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
27 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા શ્રી કાસમે માત્ર દસ વર્ષની નાની ઉંમરે સંગીતની સાધના શરૂ કરી હતી. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, તેમની જન્મજાત પ્રતિભા અને સમર્પણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત લોક કલાકાર બનાવ્યા. વર્ષો જતાં, તેમણે કલાકારોની બહુવિધ પેઢીઓ, ગુજરાતી ચલચિત્ર જગતની હસ્તીઓ અને રેડિયો પ્લેટફોર્મ સાથે સહયોગ કર્યો, જેથી લોક સંગીતના તાલ લોકો સુધી પહોંચે. તેમની વિશિષ્ટ શૈલી—જ્યાં તેઓ પોતાના વાદ્ય સાથે એકરૂપ થઈ જાય છે—તેના કારણે તેમને વ્હાલસોયું નામ “રમકડું” મળ્યું.
શ્રી કાસમે યુએસએ, યુકે, દક્ષિણ આફ્રિકા, કેનેડા, યુએઈ, ઓમાન અને અન્ય કેટલાક દેશોમાં પ્રદર્શન કરીને ગુજરાતી લોક સંગીતને વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હજારો સ્ટેજ પર્ફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત પ્રદર્શિત કરી છે. એટલું જ નોંધપાત્ર તેમનું યુવા સંગીતકારોનું માર્ગદર્શન છે—જેમાંના ઘણા હવે વ્યવસાયિક રીતે પ્રદર્શન કરે છે—જેનાથી લોક શિક્ષણ અને પ્રસારની મૌખિક પરંપરાઓને સંસ્થાકીય રૂપ મળ્યું છે. તેઓ તેમની માનવતાવાદી પ્રતિબદ્ધતા માટે આદરણીય છે. તેમણે ગૌશાળાઓ માટે 35,000થી વધુ ચેરિટી કાર્યક્રમો કર્યા છે અને સામાજિક હેતુઓ માટે સંગીતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં જૂનાગઢમાં વંચિત પરિવારોના લગ્નોને ટેકો આપવાનો સમાવેશ થાય છે. તેમની ઉંમરના સિત્તેરમાં દાયકામાં પણ, તેઓ બાળકો અને મહત્વાકાંક્ષી કલાકારોને કોઈ પણ શુલ્ક લીધા વિના લોક સંગીત શીખવવાનું ચાલુ રાખે છે, જે કલા દ્વારા નિઃસ્વાર્થ સેવાના પ્રતીક સમાન છે.
શ્રી કાસમને ગુજરાત ગૌરવ પુરસ્કાર, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ગુજરાત લોક કલા રાષ્ટ્રીય પુરસ્કાર, મુખ્યમંત્રી સન્માન પત્ર અને અગ્રણી સંસ્થાઓ તથા ગુજરાત સરકાર દ્વારા એનાયત કરાયેલા અનેક સાંસ્કૃતિક પુરસ્કારો સહિત અસંખ્ય પ્રતિષ્ઠિત રાજ્ય-સ્તરના સન્માનો પ્રાપ્ત થયા છે. બે દાયકાથી વધુ સમયના આ પુરસ્કારો પ્રસંગોપાત સિદ્ધિના બદલે સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે.
શ્રી નીલેશ વિનોદચંદ્ર માંડલેવાલા
શ્રી નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, જેઓ લોકપ્રિય રીતે ભારતના ‘ઓર્ગન મેન’ (અંગદાતા) તરીકે ઓળખાય છે, તેઓ દેશમાં અંગદાનના સૌથી પ્રતિબદ્ધ અને પ્રભાવશાળી હિમાયતીઓમાંના એક તરીકે વ્યાપકપણે આદરણીય છે. ‘ડોનેટ લાઈફ’ (Donate Life) ના સ્થાપક તરીકે, તેમણે ગુજરાત અને સમગ્ર ભારતમાં કેડેવરિક અંગદાન (મૃત્યુ પછી અંગદાન) અંગે જાગૃતિ અને સ્વીકૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
19 એપ્રિલ, 1965 ના રોજ જન્મેલા શ્રી નિલેશ માંડલેવાલાની આ માનવતાવાદી મિશન સાથેની જોડાણની શરૂઆત એક ખૂબ જ વ્યક્તિગત અનુભવથી થઈ હતી જેણે તેમના જીવનની દિશા બદલી નાખી. તેમના પિતા કિડની ફેલ્યોરથી પીડાતા હતા અને તેમને દર અઠવાડિયે બે વાર ડાયાલિસિસની જરૂર પડતી હતી. તેમના પિતાની શારીરિક અગવડતા અને ભાવનાત્મક સંઘર્ષ જોઈને, તેમને સમજાયું કે ટ્રાન્સપ્લાન્ટેશન માટે અંગોની ભારે અછતને કારણે સમગ્ર ભારતમાં હજારો પરિવારો દર વર્ષે આવી જ પીડા સહન કરે છે. વ્યક્તિગત દુઃખને વ્યક્તિગત બોજ રહેવા દેવાને બદલે, તેમણે તેને જીવન બચાવવા અને સમાન કટોકટીનો સામનો કરી રહેલા પરિવારોને ટેકો આપવા માટે સમર્પિત આજીવન પ્રતિબદ્ધતામાં પરિવર્તિત કર્યું.
વર્ષ 2005માં, એક એવા સમયે જ્યારે ભારતમાં અંગદાન વિશેની જાગૃતિ અત્યંત મર્યાદિત હતી અને ગેરસમજો, અજ્ઞાનતા તથા ડરથી ઘેરાયેલી હતી, ત્યારે શ્રી નિલેશ માંડલેવાલાએ અંગદાન જાગૃતિ આંદોલનની શરૂઆત કરી હતી. તેમનું કાર્ય 2006માં કેડેવરિક કિડની દાનને પ્રોત્સાહન આપવા સાથે શરૂ થયું હતું અને ધીમે ધીમે લીવર, હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ (પેનક્રિયાસ), આંતરડા, હાથ, હાડકાં અને અન્ય પેશીઓના (ટિશ્યુ) દાન અંગેની જાગૃતિ સુધી વિસ્તર્યું હતું. તેમના સમર્પણ અને વિશ્વસનીયતાએ તેમને જાહેર આરોગ્ય જાગૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તરીકે ઓળખ અપાવી, જેના કારણે 2019 થી 2021 દરમિયાન અંગ અને પેશી પ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ.
શ્રી નિલેશ માંડલેવાલાનું લાંબા ગાળાનું વિઝન એ છે કે 2047 સુધીમાં અંગોની અનુપલબ્ધતાને કારણે કોઈ પણ નાગરિકે જીવ ગુમાવવો ન પડે. આ ધ્યેય હાંસલ કરવા માટે, તેમણે જાગૃતિ ફેલાવવા માટે બે દાયકાથી વધુ સમય સુધી સમગ્ર ભારતમાં વ્યાપક પ્રવાસ કર્યો છે. તેમણે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે જોડાવા માટે સર્જનાત્મક અને ભાવનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. તેમણે “અંગદાન કરલે રે માનવ તું ઈશ્વર બન જાયેગા” ગીતની રચના કરી અને ટૂંકી ફિલ્મ “કાયા – ધ મિશન ઓફ લાઈફ” નું નિર્માણ કર્યું, આ બંનેએ જાહેર જાગૃતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને વ્યક્તિઓને તેમના અંગોનું દાન કરવાનો સંકલ્પ લેવા પ્રેરિત કર્યા છે.
શ્રી નિલેશ માંડલેવાલાએ સમાજને બ્રેઈન ડેથ વિશે શિક્ષિત કરવામાં અને ભાવનાત્મક રીતે પડકારજનક ક્ષણો દરમિયાન પરિવારોને અંગદાનનું મહત્વ સમજવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે અંગદાનની સુવિધા માટે વ્યક્તિગત રીતે અસંખ્ય શોકગ્રસ્ત પરિવારોનું કાઉન્સેલિંગ કર્યું છે અને ડોકટરો, હોસ્પિટલો, એનજીઓ (NGOs) અને સ્વયંસેવકો સાથે નજીકથી કામ કર્યું છે. તેમના પ્રયાસોથી સુરતને “ઓર્ગન ડોનર સિટી” (અંગદાતા શહેર) તરીકે ઓળખ મેળવવામાં મદદ મળી છે, જે ભારતના અન્ય પ્રદેશો માટે એક પ્રેરણાદાયી મોડેલ સ્થાપિત કરે છે. સામાજિક પ્રતિકાર, ગેરસમજો, લોજિસ્ટિકલ પડકારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાઓનો સામનો કરવા છતાં, તેમણે ધૈર્ય, કરુણા અને અસાધારણ દ્રઢ સંકલ્પ સાથે પોતાનું મિશન ચાલુ રાખ્યું છે.
કોવિડ-19 મહામારી દરમિયાન, શ્રી નિલેશ માંડલેવાલાએ હોસ્પિટલોમાં બ્રેઈન-ડેડ દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું હતું, જેનાથી 200થી વધુ અંગો અને પેશીઓના દાનમાં યોગદાન મળ્યું હતું. એકંદરે, તેમની પહેલોએ 1371 સફળ અંગો અને પેશીઓના દાનની સુવિધા આપવામાં મદદ કરી છે, જેનાથી 1263 પ્રાપ્તકર્તાઓને નવું જીવન અને તેમના પરિવારોને આશા મળી છે. “વસુધૈવ કુટુંબકમ” ની ફિલસૂફીથી પ્રેરિત થઈને, તેમના કાર્યથી યુએઈ, યુક્રેન, રશિયા, સુદાન, યેમેન અને બાંગ્લાદેશ સહિતના દેશોના દર્દીઓને ફાયદો થયો છે.
શ્રી નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને ગુજરાત સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ” સહિત 70થી વધુ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા
શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા ગુજરાતની પ્રાચીન માણભટ્ટ “માણ આખ્યાન” પરંપરાના અગ્રણી ગુરુ તરીકે વ્યાપકપણે ઓળખાય છે, જે મધ્યકાલીન આખ્યાન સાહિત્યમાં મૂળ ધરાવતી એક વિશિષ્ટ મૌખિક વાર્તા કહેવાની કલા છે. શાસ્ત્રીય સંગીત, કાવ્યાત્મક અભિવ્યક્તિ અને માણ (વીંટી પહેરેલી આંગળીઓથી વગાડવામાં આવતું તાંબાનું વાસણ) ના અનોખા ઉપયોગ સાથે મહાકાવ્યોના લયબદ્ધ વર્ણન દ્વારા આ પરંપરા સદીઓથી રામાયણ, મહાભારત, ભાગવત અને પૌરાણિક કથાઓ સાથે નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યો પહોંચાડવાનું માધ્યમ રહી છે.
11 ઓગસ્ટ 1932ના રોજ વડોદરામાં જન્મેલા શ્રી પંડ્યાને આ કલા તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી વારસામાં મળી હતી અને તેમણે 1950ના દાયકાની શરૂઆતમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. સાત દાયકાથી વધુ સમયથી, તેમણે આ લુપ્ત થતી પરંપરા જ્યારે તે લુપ્ત થવાના આરે હતી ત્યારે તેને પુનર્જીવિત કરવા અને ટકાવી રાખવા માટે પોતાને સમર્પિત કર્યા છે. રાષ્ટ્રપતિ ભવન જેવા પ્રતિષ્ઠિત સ્થળો સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં વ્યાપક કાર્યક્રંમો અને લાંબા ગાળાની આખ્યાન શ્રેણીઓ દ્વારા તેઓ આ વારસાને વિવિધ શ્રોતાઓ સુધી પહોંચાડ્યો.
શ્રી પંડ્યાએ યુનાઇટેડ કિંગડમ, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, નેપાળ અને થાઇલેન્ડમાં સાંસ્કૃતિક પ્રવાસો અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે માણભટ્ટ પરંપરાનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેનાથી વૈશ્વિક શ્રોતાઓ અને ભારતીય ડાયસ્પોરાને આ દુર્લભ કલા સ્વરૂપનો પરિચય મળ્યો છે. ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન સાથેના તેમના વ્યાપક રેકોર્ડિંગમાં હરિવંશ પુરાણ (ઉત્તર મહાભારતમાંથી), શિવ મહાપુરાણ અને મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રેમાનંદના તમામ ચાલીસ આખ્યાનોના સંપૂર્ણ પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં, તેમના પરિવાર દ્વારા ડિજિટલ પહોંચના આયોજને આ પરંપરાનો વ્યાપ વધુ વિસ્તાર્યો છે.
શાસ્ત્રીય ભંડારને સાચવવા ઉપરાંત, શ્રી પંડ્યાએ જળ સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ જેવા સમકાલીન સામાજિક વિષયો પર નવા આખ્યાનોની રચના કરી છે. તેમણે ‘શ્રી માણ આખ્યાનકલા શિક્ષણ કેન્દ્ર’ દ્વારા તાલીમને સંસ્થાકીય રૂપ આપ્યું, જેમાં તેમના પુત્રો પ્રદ્યુમ્ન અને મયંક પંડ્યા સહિતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું જેઓ આજે પણ આ કલાનું પ્રદર્શન કરે છે, આમ પેઢીગત સાતત્ય સુનિશ્ચિત કરે છે.
શ્રી પંડ્યાને તેમના યોગદાન બદલ અનેક સન્માનો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1983માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો, જેનાથી તેઓ આ સન્માન મેળવનારા એકમાત્ર માણભટ્ટ કલાકાર બન્યા હતા. અન્ય સન્માનોમાં 1980માં જગદગુરુ શંકરાચાર્ય તરફથી કીર્તન કેસરી પુરસ્કાર અને માણકલા કૌશલ પ્રમાણપત્ર; 1980ના દાયકામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર અને અનેક પ્રશંસા પુરસ્કારો; વડોદરા મહાનગરપાલિકા દ્વારા સન્માન (1984); સ્વામિનારાયણ વિચાર ટ્રસ્ટ, અમૃતા ઇન્સ્ટિટ્યૂટ (મુંબઈ), ગુજરાત લોકકલા કેન્દ્ર તરફથી પુરસ્કારો અને પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર (ગુજરાત સરકાર, 1994-95); ગુજરાતી સાહિત્ય અકાદમી (USA, 1996) અને સંન્યાસ સેવાશ્રમ (કાઠમંડુ, 2008) તરફથી આંતરરાષ્ટ્રીય સન્માન; અને પાછળથી સંસ્કાર ભારતી (વડોદરા, 2009), ત્રિવેણી ઇન્સ્ટિટ્યૂટ (2012), 8મો દિલ્હી આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ – સંગીત નાટક અકાદમી (દિલ્હી, 2014), 19મો ભારત રંગ મહોત્સવ – નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (દિલ્હી, 2017), ગુજરાત રાજ્ય સરકાર (2017), અને શાજદા કલા કેન્દ્ર ટ્રસ્ટ (બેંગલુરુ, 2017) તરફથી સન્માન અને અભિવાદનનો સમાવેશ થાય છે.
શ્રી અરવિંદ વૈદ્ય
શ્રી અરવિંદ વૈદ્ય એક પ્રતિષ્ઠિત કલાકાર છે, જેમણે છ દાયકાથી વધુ સમય સુધી પાત્રો ભજવીને ગુજરાતી રંગભૂમિ, હિન્દી ટેલિવિઝન અને ચલચિત્રોમાં પોતાની હાજરી આપી છે.
3 મે 1941ના રોજ જન્મેલા શ્રી વૈદ્યની સફર ઔપચારિક અભ્યાસ સાથે શરૂ થઈ હતી—એચ કે આર્ટસ કોલેજ ખાતે 1966માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ડ્રામામાં ડિપ્લોમા ફર્સ્ટ-ક્લાસ ડિસ્ટિંક્શન સાથે મેળવ્યો હતો. ત્યાર બાદ ટૂંક સમયમાં જ, તેઓ તે જ સંસ્થામાં લેક્ચરર તરીકે પાછા ફર્યા, જ્યાં તેમણે ‘પરિત્રાણ’ અને ‘રાયગઢ જ્યારે જાગે છે’ જેવા યાદગાર ગુજરાતી નાટકોનું દિગ્દર્શન અને અભિનય કરતી વખતે યુવા મગજોને માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ખાતે સેવાનો એક અધ્યાય શરૂ થયો, જ્યાં તેમણે અર્થપૂર્ણ કાર્યક્રમોમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે યોગદાન આપ્યું. આ દરમિયાન, તેમણે વ્યાપકપણે પ્રશંસા પામેલી શ્રેણી ‘ભલા ભૂસાના ભેદ ભરમ’ માં સ્ક્રીન પર સુંદર અભિનય કર્યો.
શ્રી વૈદ્યએ તેમની પોતાની પ્રોડક્શન કંપની ‘નાટ્ય સંપદા’ ની સ્થાપના કરી, જેના દ્વારા તેમણે પંચોતેરથી વધુ પૂર્ણ-લંબાઈના નાટકોનું નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યો. તેમના દરેક સર્જનમાં સમર્પણની ઊંડી લાગણી સ્પષ્ટપણે દેખાતી હતી, જેના કારણે તેમને આ ક્ષેત્રમાં વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ. વર્ષ 1993 માં, મુંબઈએ તેમને વ્યાપક ક્ષિતિજો ખોલીને આમંત્રિત કર્યા. બહુભાષી અને હંમેશા અનુકૂલનશીલ, તેઓ ગુજરાતી, મરાઠી અને હિન્દી રંગભૂમિમાં સરળતાથી આગળ વધ્યા, ભોજપુરી ફિલ્મમાં પણ સાહસ કર્યું. તેમણે મરાઠી ટેલિવિઝન શ્રેણી ‘હર્યા નર્યા’ નું દિગ્દર્શન કર્યું, અને પોતાની કલાને નવા ક્ષેત્રોમાં વિસ્તારી.
85 વર્ષની ઉંમરે પણ, શ્રી વૈદ્ય સ્ટેજ અને સ્ક્રીન પર સક્રિય હાજરી ધરાવે છે—તેમનો ઉત્સાહ અકબંધ છે. ત્રણસોથી વધુ નાટકોનું દિગ્દર્શન અથવા અભિનય અને 100થી વધુ ટેલિવિઝન કાર્યક્રમોમાં પોતાની કળાનું યોગદાન આપ્યું છે. તેમના કેટલાક પાત્રો આજે પણ દર્શકોના મનમાં અવિસ્મરણીય છે, જેમ કે ‘નોખી માટી ને નોખા માનવી’, ‘અંતિમ અધ્યાય’, ‘પરિત્રાણ’ અને ‘અમે બરફના પંખી’ જેવા નાટકો; લોકપ્રિય શો જેમાં ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘બા બહુ ઓર બેબી’, ‘ખિચડી’, ‘સાસ બિના સસુરાલ’, ‘લેડીઝ સ્પેશિયલ’ અને ‘અનુપમા’ માં બાબુજીનું પ્રેમાળ પાત્ર સામેલ છે.
શ્રી વૈદ્ય ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર, દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઓલ લેંગ્વેજીસ ડ્રામા કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શકના પુરસ્કારો, તથા ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી વારંવાર સન્માન મેળવનાર કલાકાર છે.





