
પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા.એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગલોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા ભાવ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર ૧૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે.
આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા આ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જાેકે, નાગરિકો દેશહિતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સમજે છે અને સાથ આપવા પણ તૈયાર છે. પરંતુ સતત વધતા ખર્ચા અને સ્થિર આવક વચ્ચે પિસાઈ રહેલા મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર તાત્કાલિક એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરે તેવી લોકોમાંથી પ્રબળ માંગ ઊઠી રહી છે.
વાહનચાલક ઉમેશભાઈએ જણાવ્યું કે, સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટના લીધે ભાવ વધે છે, પરંતુ ખરેખર તો જ્યારે ચૂંટણી હોય કે સરકાર પક્ષી માહોલ હોય ત્યારે ભાવ નિયંત્રણમાં રહે છે અને ચૂંટણી પત્યા પછી એક જ અઠવાડિયામાં ચાર-ચાર વાર ભાવ વધારવામાં આવે છે. અત્યારે ભારતની જિયોપોલિટિકલ સ્થિતિ ભલે ગમે તે હોય. પરંતુ સરકારની અમુક નીતિઓમાં પણ મને ખોટ દેખાય છે અને પેટ્રોલ પંપ પર ચાલતી કાળાબજારી પર સરકારે ખાસ ધ્યાન આપવું જાેઈએ. પીએમ મોદી સાહેબે જે અપીલ કરી છે, તે પ્રમાણે અમે દેશની આ મહામારી અને મુસીબતમાં સાથ આપવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા તૈયાર છીએ, પરંતુ સામાન્ય માણસની.આવક એની એ જ છે અને સામે ખર્ચા સતત વધી રહ્યા છે.
એન્ય એક વાહનચાલક ઉદયકુમાર કુલકર્ણીએ જણાવ્યું કે, અત્યારે જે ભાવ વધી રહ્યા છે તે યુદ્ધના સંજાેગો અને ક્રૂડ ઓઈલ લાવવા માટેના સમુદ્રી માર્ગો બંધ હોવાના કારણે છે.
ટેક્સના પૈસાથી દેશમાં રોડ-બ્રિજ બને છે એ સાચું, પરંતુ દેશ માટે થોડું સહન કરતી જનતા પર બોજાે વધે ત્યારે સરકારે વેટ ઓછો કરવો જ જાેઈએ. મને એ વાતનો અફસોસ છે કે ચૂંટણી સમયે નેતાઓએ કશું ન કીધું અને રિઝલ્ટ આવ્યા પછી તરત જ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટના માલ સામાનની હેરફેર કરતા બાદલ સરદારજીએ જણાવ્યું કે, હું વાહનની ટાંકી ફૂલ કરાવવા આવ્યો હતો પણ મને પંપ પરથી માત્ર ૧૦૦૦ રૂપિયાનું જ ડીઝલ મળ્યું. લાંબા અંતર સુધી માલ સામાનની હેરફેર કરવાની હોય ત્યારે પૂરું ઇંધણ ન મળવાથી ધંધો ખોરવાયો છે. જાે કોઈ માણસ ૨૦,૦૦૦ રૂપિયા કમાતો હોય તો તેમાંથી ૭-૮ હજાર તો માત્ર પેટ્રોલ-ડીઝલમાં જતા રહે છે.
ગેસના ભાવ પણ એટલા વધી ગયા છે કે સામાન્ય માણસનું પિક્ચર જ પૂરું થઈ ગયું છે.બાદલ સરદારજીએ જણાવ્યું કે, સરકાર વેટ ઘટાડતી નથી એ અંગે હું કંઈ બોલવા માંગતો નથી. કારણ કે જાે અમે સરકાર સામે બોલીશું તો તેઓ અમારા પર જ ચડી બેસશે, અને મારી એટલી હેસિયત પણ નથી કે હું વડાપ્રધાનને આંખમાં આંખ મિલાવીને કોઈ પ્રશ્ન પૂછી શકું.
ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદા કામધંધા માટે પેટ્રોલ-ડીઝલ પાયાની જરૂરિયાત છે.
તેના ભાવ વધવાથી શાકભાજીથી લઈને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે. હવે જાેવાનું એ રહેશે કે સતત ઘેરાઈ રહેલી જનતાની બૂમ સાંભળીને કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સના દરમાં કોઈ ઘટાડો કરે છે કે મધ્યમ વર્ગે આ મોંઘવારીની આગમાં હજુ વધુ હોમાવવું પડશે.





